ગાંધીધામમાં સિંધુ ભવનને લગતા કેસમાં બે આરોપીની જામીન અરજી રદ કરાઈ
ગાંધીધામ, તા. 13 : શહેરની સિંધુ ભવન ઈમારતના વહીવટ માટે ભાગીદારી પેઢી બનાવી, ખોટા દસ્તાવેજો થકી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં એક આરોપીની નિયમિત જામીન અરજી તથા અન્યની આગોતરા અરજી કોર્ટે રદ કરી હતી.એસ.આર.સી.એ બનાવેલા સિંધુ ભવનને સ્પાર્ક હોસ્પિટાલિટી એન્ડ ઈવેન્ટ નામની ભાગીદાર પેઢીને ત્રીસ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવ્યું હતું. જે પેઢી વિભિન્ન પ્રસંગોએ લોકો પાસેથી પૈસા લઈ તેમને હોલ વગેરેની સુવિધા પૂરી પાડતી હતી. આ પેઢીમાં હરકિશન ચંદનાનીએ રોકાણ કર્યું હતું, પરંતુ અગાઉના ભાગીદારોએ ભવનનું ભાડું એસ.આર.સી.ને ચૂકવ્યું નહોતું. આ અંગે તપાસ થયા બાદ એસ.આર.સી.ના કર્મચારી પૂજા હીરાનંદાની તથા સુભાષ સ્વામી, રતિલાલ સોલંકી, દીપ્તિ આશર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ઉત્તરાખંડથી પકડાયેલા સુભાષ સ્વામીની નીચલી કોર્ટે જામીન અરજી રદ કર્યા બાદ તેણે અધિક સેશન્સ જજની કોર્ટમાં અરજી કરી હતી તથા રતિલાલ સોલંકીએ આગોતરા માટે અરજી કરી હતી, જેમાં બંને પક્ષોની દલીલો બાદ આ બંનેની જામીન અરજી રદ કરવામાં આવી હતી. ફરિયાદીના મૂળ વકીલ તરીકે ધારાશાત્રી અજમલ સોલંકી અને સરકાર પક્ષે હિતૈશીબેન ગઢવી હાજર રહ્યા હતા.