સુખપર રોહા પાસે કાર અને બાઇકની ટક્કર : બાળક સહિત બે જણનાં મોત

ભુજ, તા. 13 : નખત્રાણા તાલુકામાં સુખપર (રોહા) નજીક બાઇક અને કારના અકસ્માતમાં ગાંધીધામના આત્મારામ થાવર ફફલ તથા કારમાં સવાર માસુમ બાળક ધ્યાન રક્ષિત પટેલ (ઉ.વ.3)ના મૃત્યુ થયા હતા.ગાંધીધામના આત્મારામભાઇ ફફલ તેમના પડોશી શ્યામ કારા ધેડા સાથે અબડાસા ગયા હતા. જયાંથી પરત ફરતી વેળાએ ભુજ-નલિયા હાઇવે ઉપર સુખપર (રોહા) નજીક સામેથી આવી રહેલી મુંબઇ પાસીંગની કાર સાથે તેમને આ અકસ્માત નડયો હતો.પોલીસે આપેલી માહિતી મુજબ ગંભીર ઇજા પામેલા આત્મારામભાઇનું દવાખાને ખસેડાતી વેળાએ મૃત્યુ થયું હતું. જયારે કારમાં સવાર ત્રણ વર્ષની વયના ધ્યાન પટેલનો પણ જીવનદીપ બુઝાયો હતો. બનાવ બાબતે રાજેશ આત્મારામ ફફલે ફરિયાદ લખાવી હતી.  - જુણાગિયામાં આપઘાત : બીજીબાજુ લખપત તાલુકાના જુણાગિયા ગામે જીતેન્દ્ર ખીમજી જેપાર (ઉ.વ. 15)ની આત્મહત્યાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ હતભાગી કિશોર ગઇકાલે સવારે 11 વાગ્યે ખેતરે જવાનું કહીને નીકળી ગયો હતો. આ પછી શોધખોળ દરમ્યાન હંસરાજ રતનશી રાજગોરના ખેતરમાં ઝાડમાં લટકતો મળી આવ્યો હતો. બનાવ પછવાડેના કારણો હજુ સ્પષ્ટ થયા નથી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer