મુંદરાના લીલા વટાણા અને સિગારેટ કાંડમાં ત્રણ જણના જામીન નામંજૂર
ભુજ, તા. 13 : મુંદરા બંદરેથી ઝડપાયેલા સિગારેટ કાંડ અને લીલા વટાણા કાંડના કુલ ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર કરતા ચુકાદા મુંદરાની અદાલતે આપ્યા હતા.ચોળાની આડમાં લાખોના પ્રતિબંધિત લીલા વટાણા આયાત કરવાના કેસમાં ઝડપાયેલા સૂત્રધાર આરોપી મહેશ રામજી ભાનુશાલીની જામીન અરજી નામંજૂર કરાઇ હતી. તો રૂા. 16.80 કરોડની સિગારેટના કેસમાં ગાંધીધામ ખાતે કચેરી ધરાવતા એબલ શિપિંગ એજન્સીના મુંબઇના શાન્તારામ રાછા અને ગનેશ પિન્ગીની જામીન અરજી નામંજૂર કરાઇ હતી. મુંદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે આ ચુકાદા આપ્યા હતા. જામીન અરજીની સુનાવણીમાં સરકાર વતી હાજર રહેલા ખાસ નિયુક્ત સરકારી ધારાશાત્રી એવા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ દાણચોરી અને ડયુટીચોરી સાથે આયાત થયેલી વસ્તુઓની છણાવટ કરવા સાથે આરોપીઓની સક્રિય અને મુખ્ય ભૂમિકા તથા તપાસ ચાલુ હોવા સહિતની દલીલો પેશ કરી હતી. જેને અદાલતે ગ્રાહ્ય રાખતાં જામીન નામંજૂર કરતા ચુકાદા આપ્યા હતા.