મુંદરા કસ્ટમ દ્વારા આયાતી માલની બિલ ઓફ એન્ટ્રી પાસિંગ કરાવવા ઉઘરાણા થતા હોવાનો ગંભીર આક્ષેપ

મુંદરા, તા. 13 : સ્થાનિક કસ્ટમ તંત્ર દ્વારા આયાતી માલની બિલ ઓફ એન્ટ્રીનું પાસિંગ કરાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ટ્રેડ સાથે સંકળાયેલા વર્તુળો કરી રહ્યા છે.કેન્દ્ર સરકારે આયાતી બિલ ઓફ એન્ટ્રીના પાસિંગ બિલોમાં દેશવ્યાપી ભ્રષ્ટાચાર ડામવા વર્ષ 2019માં એક જાહેરનામા અંતર્ગત `ફેસલેસ એસેસમેન્ટ' અંતર્ગત બિલ પાસ કરવા સૂચના સાથે કસ્ટમની આખી દેશવ્યાપી સિસ્ટમમાં મહત્ત્વનો બદલાવ કરવામાં આવ્યો હતો, જે અનુસાર કોઇ પણ કસ્ટમર એર કાર્ગો-આઇ.સી.ડી.ના આયાતી માલના બિલ જે-તે કસ્ટમ હાઉસના બદલે દેશના કોઇ પણ કસ્ટમ હાઉસ અથવા એર કાર્ગો કે આઇ.સી.ડી.ના લોકેશનમાં પાસિંગ હેતુ મોકલાય અને ત્યાંથી એસેસમેન્ટ થઇ પછી જ જે-તે કસ્ટમ હાઉસ ખાતે મોકલાય જેથી જે-તે કસ્ટમના અધિકારી આયાતકારના કસ્ટમ બ્રોકરના કર્મચારીને બોલાવી ન શકે અને કદાચ ભ્રષ્ટાચાર અટકે.પણ થયું એથી વિપરિત. વર્ષ 2019થી એક જાહેરનામા અનુસાર શરૂ કરાયેલી `ફેસલેસ એસેસમેન્ટ' પદ્ધતિ આખા દેશમાં ક્રમ અનુસાર શરૂ કરીને ઇ.સ. 2020માં મુંદરા ખાતે આ સિસ્ટમ ચાલુ કરવામાં આવી. આખા દેશના આયાતકારોમાં ખુશીની લાગણી ફેલાઇ, જ્યારે કસ્ટમ તંત્રમાં ગમગીનતા.આયાતકારોમાં ખુશી એ વાતની ફેલાઇ કે હવે સ્થાનિક કસ્ટમના અધિકારીઓ દ્વારા થતી વેલ્યુએશનના નામે હેરાનગતિ બંધ થશે, જેથી પોતાના કાર્ગોનું બિલ સમયમસર પાસ થશે. જેથી કાર્ગો ડિલિવરી ઝડપી થશે, પણ કસ્ટમ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ નવી કેડી શોધી લીધી.થોડા સમય બધું સમુસૂતરું ચાલ્યું, પણ પછી ભ્રષ્ટાચારની એ જ ફરિયાદો ચાલુ રહેવા પામી. હવે `ફાઇવસ્ટાર ભ્રષ્ટાચાર' અસ્તિત્વમાં આવ્યો. અત્યંત આધારભૂત વર્તુળો પાસેથી શબ્દ સાંભળવા મળ્યો કે હવે અમારે સ્ટારમાં પૈસા આપવાના આ સ્ટાર એટલે એટલું જાણવા મળ્યું કે 1 સ્ટાર એટલે પાંચ હજાર. એમ કાર્ગો અને વેલ્યુએશન માલ  ડિલેના બહાને પાંચ-પચ્ચીસથી લઇ 1 લાખ રૂા. સુધીનો વ્યવહાર મગાય છે. ધારો કે મુંદરા કસ્ટમમાં આયાતકારના કસ્ટમ બોલ્ટ દ્વારા ફાઇલ કરાઇ અને તે ફેસલેસ એસેસમેન્ટ અનુસાર મુંબઇના ન્હાવાસેવા કસ્ટમ ગઇ તો ત્યાંના અધિકારીઓ મુંદરા મેસેજ મોકલે છે, જેમાં કસ્ટમ બ્રોકરની બિલ ઓફ?એન્ટ્રી આવી. જો રેગ્યુલર પાસ કરાવવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરી ગૂગલ-પે કરાવવા અથવા અનુસાર મુંદરામાં અન્ય સ્ટેશનના બિલમાં અહીંના અધિકારી ત્યાં સંપર્ક કરી આ વ્યક્તિના નામે ગૂગલ-પે સહિતની માહિતીથી આપ-લે કરાય છે. ઘણીવાર જો સ્ટેશન નજીક હોય તો રોકડા લઇ ત્યાં આખા મહિનાનું કલેક્શન કરી આંગડિયા મારફતે લેતી-દેતી થાય છે. આમાં પહેલાં સ્થાનિકે એસેસમેન્ટ જ્યારે જે બિલ હજારથી પંદરસો થતું એ જ કામ પર કન્ટેઇનર પર 5 હજારથી લઇ વધુ રકમનો વહીવટ ચાલે છે. દરેક સ્ટેશનમાં ચોક્કસ અધિકારીઓના પોતાના નિમેલા એજન્ટોના નંબરો ગૂગલ-પે સહિતની વિગતોની આપ-લે કરાય છે. આ આખી વિગતની માહિતી આપતાં એક સનસનીખેજ વિગત એ સામે આવી છે કે એક મુંબઇ સ્થિત આયાતકારનું એક આયાતી બિલ મુંદરા મધ્યે એસેસમેન્ટ માટે આપ્યું તો તે પાર્ટીના કસ્ટમ બ્રોકરને મુંબઇના કસ્ટમ ઓફિસર દ્વારા જાણ કરાઇ કે જો તને તારું બિલ સમયસર પાસ કરાવવું હોય તો મુંદરા આ વ્યક્તિ (એજન્ટ)નો સંપર્ક કર. સંપર્ક કરતાં આ એજન્ટે એક માતબર રકમ પોતાના ગૂગલ-પે દ્વારા મોકલાવવા જણાવ્યું. ત્યારે આ દેશવ્યાપી નવો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો. મુંદરા કસ્ટમમાં પણ અનેક એજન્ટોની બોલબાલા છે, જેમાં પોતાના પણ ગાળા રાખી કસ્ટમ અધિકારીઓની દલાલી કરે છે.જો આયાતકાર આવી માગણીઓને તાબે ન થાય તો બિલ પાસિંગનાં નામે પાંચથી પંદર દિવસ સુધી ખોટા વાંધાઓ લઇને હેરાન કરવામાં આવે છે. આમ જે વાંધાઓ હોય તે વધુમાં વધુ ત્રણ વખતમાં માગી શકાય. આટલી વસ્તુ ચેક કરાવવામાં ઘણા દિવસો જશે જે આયાતકારને પરવડશે નહીં. વળી સી.એફ.એસ.નો ડિટેશન, ડેમરેજ ચાર્જ લાગશે, જેથી આપણું કામ થશે નહીં તેવી માન્યતા સાથે ત્યાંના વ્યવહાર કરેલો આયાતકાર અહીં મસમોટા વ્યવહાર કરી છેવટે દંડાય છે. સહી મિસમેચના નામે તોડ કરાય છે જે પાંચથી પચાસ હજાર રૂા. લેવાય છે. આમ સૂત્રો જણાવે છે કે સરકારની આયાતકારોના લાભ અને માલની ઝડપી હેરાફેરી થાય, માલ ઉપર લાખનો ખર્ચ પણ ઓછો થાય, સમયની બચત થાય તે હેતુસર લાગુ કરાયેલી આ પદ્ધતિ આયાતકારો માટે ત્રાસદાયક છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer