દીનદયાળ બંદરે ઘઉંના લોડિંગમાં વધારાના મુદ્દે પ્રશાસને સુધારેલો પરિપત્ર બહાર પાડયો
ગાંધીધામ, તા. 13 : દીનદયાળ (કંડલા) બંદરેથી અત્યારે ઘઉંની મોટા પાયે નિકાસ ચાલુ છે અને બંદર બહાર જેટીની પ્રતિક્ષા કરતાં જહાજોની સંખ્યા વધી રહી છે ત્યારે બંદર પ્રશાસને લોડિંગ-અનલોડિંગની ગતિવિધિ લગભગ બેવડી કરી દઇને પેનલ્ટીની જોગવાઇ કરતાં અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે આટલી ઝડપી કામગીરી શક્ય ન હોવાની રજૂઆત કરી હતી, જેના પગલે હવે પ્રશાસને નવો પરિપત્ર બહાર પાડીને રાહતરૂપ જોગવાઇ કરી છે.ચેમ્બરના માનદ્મંત્રી મહેશભાઇ તીર્થાણીની યાદીમાં જણાવ્યા પ્રમાણે લોડિંગ-અનલોડિંગની બર્થિંગ નીતિમાં ફેરફાર થતાં લગભગ બેવડો કાર્ગો લોડિંગ-અનલોડિંગ કરવા જણાવાયું હતું, અન્યથા પેનલ્ટીની જોગવાઇ થઇ હતી. હાલે ઉનાળો હોવાથી મેન્યુઅલી જ માલ લોડ- અનલોડ થઇ શકે છે તેવા સંજોગોમાં મજૂરો 24 કલાકમાં વધુમા વધુ 14થી 15 કલાક જ કામ કરી શકે. આ બાબત ધ્યાને લેતાં બેવડી ઝડપે કામગીરી શક્ય નહોતી. આ અંગે ચેમ્બરે ડીપીએ અધ્યક્ષને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતને ગ્રાહ્ય રાખીને ડીપીએ દ્વારા નવો પરિપત્ર બહાર પડાયો હતો. અગાઉ બેઝ કાર્ગોમાં 26 કિલો સુધી 1900 મે. ટનને બદલે 3000 મે. ટન માલ લોડ-અનલોડ કરવા જણાવાયું હતું. જે હવે 2850 મે. ટન, એવી જ રીતે 26થી 41 કિલોમાં 2750 સામે 5600 મે. ટન હતું જે હવે 4200 મે. ટન, 41 કિલોથી વધુમાં 3000ને બદલે હવે 4500 મે. ટન માલનું લોડિંગ-અનલોડિંગ કરવાનું રહેશે. દીનદયાળ (કંડલા) મહાબંદર દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખે તે માટે એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા વ્યાપર અન્ય બંદરોએ ખસેડાય નહીં તેની તકેદારી રાખીને ઝડપી કાર્યવાહીનું ધ્યેય સિદ્ધ કરવા સૌએ સહકારની તૈયારી બતાવી છે. આવા સમયે ગાંધીધામ ચેમ્બર તથા અંજારના ધારાસભ્યની રજૂઆતને પગલે ડીપીએ પ્રશાસને સુધારેલો પરિપત્ર મૂકતાં સૌને રાહત અનુભવાશે તેવું આ યાદીમાં જણાવાયું છે.