અંજાર-ગાંધીધામને તાપથી રાહત નહીં

ભુજ, તા. 13 : દેશમાં આ વખતે નૈઋઍત્યનું ચોમાસું વહેલું આગમન કરે તેવા સમાચારો વચ્ચે છેલ્લા થોડા દિવસથી આકરા તાપ વચ્ચે અકળાતા કચ્છમાં સૂર્યકિરણોની ગરમાશમાં થોડો ઘટાડો થયો હોય એમ અંજાર-ગાંધીધામ અને રાપર સિવાય તાપમાનદર્શક પારો એકથી બે ડિગ્રી ઘટી પડતાં રીતસર તાપમાં રાહતનો અનુભવ થયો હતો.  અંજાર-ગાંધીધામ વિસ્તાર 43.0 ડિગ્રી તાપમાન જીરવીને રાજ્યનું પાંચમું સૌથી ઉષ્ણમથક બન્યું હતું. ખાનગી વેબસાઈટ અનુસાર રાપરમાં પણ આજે 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. બીજીતરફ, જિલ્લામથકે 42 ડિગ્રીને આંબી ગયેલો મહત્તમ તાપમાનનો પારો આજે ઘટીને 40.9 થઈ જતાં લોકોને અકારી અકળામણથી ઘડીભર રાહત સાંપડી હતી. જોકે આગામી 24 કલાક દરમ્યાન કચ્છ સહિતના સ્થળોએ ગરમીના મોજાંની ચેતવણી પણ આપવામાં આવી હોવાથી જિલ્લાના અમુક  સ્થળો ફરી ધગધગી ઊઠે તેવી શક્યતા છે. દરમ્યાન, રાજ્યના હવામાન ખાતાએ 24 કલાક દરમ્યાન તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર ન થવાની અને તે પછી આવતા 3-4 દિવસ દરમ્યાન બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટે તેવી રાહતરૂપ આગાહી કરી હતી.હવામાન ખાતાં પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે જિલ્લાભરમાં અંજાર-ગાંધીધામ વિસ્તારમાં સૌથી વધુ ગરમી પડી હતી. કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાન  43.0 રહ્યું હતું જે ગઈકાલના 42.8 ડિગ્રી કરતાં થોડું વધુ રહ્યું હતું. ભુજમાં ગઈકાલે 42.3 ડિગ્રીના તાપમાન સામે આજે 40.9 ડિગ્રી નોંધાતાં લોકોએ આકરા તાપમાં રીતસર રાહત મેળવી હતી.નલિયામાં 37.4 ડિગ્રી, કંડલા પોર્ટ ખાતે 40.4 જ્યારે વેબસાઈટ પરથી મેળવાતા અન્ય મથકોના આંકડા મુજબ રાપરમાં 43 અને ખાવડામાં 42.0 ડિગ્રી, માંડવીમાં 35.0 ડિગ્રી, મુંદરામાં 46.0 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer