ભુજમાં બિહારીલાલ મંદિરને કબ્જામાં લેનાર સાધુનો વિકલાંગ પર હુમલો
ભુજ, તા. 13 : શહેરમાં ગૌરવપથ માર્ગને અડીને આવેલી એકતા સોસાયટી પાસેના બિહારીલાલ (દૂધેશ્વર) મંદિર સંકુલ અને તેની મિલકતો ઉપર કથિત ગેરકાયદે કબ્જો જમાવવા સંબંધી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા મામલા વચ્ચે આજે આ મંદિરના જૂના સેવાભાવી અને મસ્તરામ 80 વર્ષની વયના માનસિક વિકલાંગ પોપટને અજ્ઞાત સાધુ જેવા શખ્સે માર મારતાં આ વિશે સત્તાધીશોને વાકેફ કરાયા છે. બિહારીલાલ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ગૌરવપથ રોડ સ્થિત વિવિધ સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકે જઇને સમગ્ર ઘટનાક્રમ બાબતે ફરિયાદ અરજી અપાઇ હતી. અરજીમાં વિવિધ અગ્રણીઓ, વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, બિહારીલાલ મંદિરના મહંત મૌની રામદાસજી બાપુની નાદુરસ્ત તબિયતનો ફાયદો લઇને સાધુવેશમાં આવેલા આ અજ્ઞાત શખ્સે મંદિર પરિસર પર કબ્જો જમાવ્યો છે. એ પછી વિવિધ પ્રકારે ત્રાસ વર્તાવાનું શરૂ કરાતાં અમુક ભાવિકો પણ ખચકાટ અનુભવવા સાથે મંદિરમાં આવતા બંધ થયા છે. આ વચ્ચે આ શખ્સે પોપટ તરીકે ઓળખાતા આ સંકુલના માનસિક રીતે વિકલાંગ આશ્રિતને માર મારતાં સમગ્ર મામલો વધુ ગંભીર બની ચૂકયો છે, તેવું રજૂઆતમાં જણાવાયું હતું. સાધુ જેવા અજ્ઞાત શખ્સની હરકતોને લઇને મહંત મૌનીબાપુની તબિયત ઉપર પણ વધુ જોખમ ઊભું થઇ શકે તેમ હોવાની દહેશત રજૂઆત કરનારાઓએ વ્યક્ત કરી હતી. તો આ શખ્સના કબ્જા અને ત્રાસમાંથી મંદિર સંકુલને છોડાવવા માટેની માગણી કરાઇ હતી. આ અંગે અખિલ કચ્છ સાધુ સમાજ સમક્ષ પણ રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.