ચૂંટણી પહેલાં જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આખો દિવસ કચ્છમાં રહેવાના હોવાથી પક્ષની બધી પાંખો ગેલમાં

ભુજ, તા. 13 : ઔદ્યોગિકીકરણને પગલે હવે રાજ્યની આર્થિક બાબતોમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા કચ્છમાં રાજ્ય વિધાનસભાની આવનારી ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમી વધી ગઇ છે. ખુદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ગુજરાત ભાજપના પ્રથમ કોટિના નેતા સી. આર. પાટિલ જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા હોવાથી માત્ર પક્ષ જ નહીં વહીવટીતંત્ર પણ `વાયબ્રન્ટ' થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો તાજ પહેર્યા બાદ ઝડપી અને નિર્ણાયક મુદ્દે આક્રમક થઇને નિર્ણયો લેતાં સી. આર. પાટિલ કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સ્વાભાવિક છે કે પારખુ નજરે આગામી વિધાનસભાની ચૂંટણી માટેના મુરતિયા પણ નક્કી કરશે... પ્રદેશ અધ્યક્ષની એક નજરે ચડી જવાના પ્રયાસ શરૂ થઇ ગયા છે. શ્રી પાટિલ `કચ્છ કમલમ્' તરીકે આગોતરી જ પ્રસિદ્ધિ મેળવી લેનારા જિલ્લા ભાજપના નૂતન કાર્યાલયનું મિરજાપર માર્ગે તા. 14/5ના સવારે 10.30 વાગ્યે ભૂમિપૂજન કરશે. મુંદરા રોડ રિલો. સાઇટથી મિરજાપરને જોડતા ભૂકંપ બાદ નિર્માણ પામેલા માર્ગ પર નિર્માણ પામનારા નૂતન કાર્યાલયથી યુવા ભાજપ બાઇક રેલી કાઢશે, જેને 11 વાગ્યે શ્રી પાટિલ સ્ટાર્ટ આપશે. એ રેલી ટાઉનહોલ પહોંચશે, જ્યાં કાર્યકર બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. ત્યારબાદ પ્રદેશ કક્ષાએ મહામંત્રી તરીકે મોટી જવાબદારી વહન કરતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સ્વપ્નસમા 200 છાત્રાઓને સમાવતા ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલયનું બપોરે 2 વાગ્યે રાધાકૃષ્ણ નગર, મિરજાપર  બસ સ્ટેશન સામે ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન શ્રી પાટિલના હસ્તે અને કચ્છ ભાજપના તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી પ્રદીપભાઇ પરમાર અને કચ્છના પ્રભારીમંત્રી કીર્તિસિંહ વાઘેલા પણ જોડાશે અને જિલ્લાના મહત્ત્વના ઉદ્યોગોની પણ હાજરી હશે. પ્રદેશ અધ્યક્ષ સાંજે 4.30 વાગ્યે ખીમજી રામદાસ કન્યા સંકુલ તેમજ સાયન્સ લેબની પણ શુભેચ્છા મુલાકાત લેશે અને આવતાવેંત સવારે કચ્છ યુનિ. ખાતે જશવંતભાઇ કલ્યાણજીભાઇ ગાંધી આઇ.એ.એસ. ટ્રેઇનિંગ સેન્ટરનું પણ લોકાર્પણ કરશે. આટલા બધા કાર્યક્રમોની ભરમાર સૂચવે છે કે જિલ્લા ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી દીધી છે. પ્રદેશ કક્ષાએ કચ્છનું સંગઠન મજબૂત અને માલદાર ગણાય છે અને વિધાનસભાની ચૂંટણીઓની દૃષ્ટિએ જોઇએ તો પહેલીવાર કચ્છને આર્થિક મહત્ત્વ મળી રહ્યું હોવાથી કાર્યકરથી માંડી નેતા-મળતિયા બધા જ પોતપોતાની ભૂમિકા સુપેરે પાર પાડવા મંડી પડયા હોવાથી જિલ્લાનું રાજકારણ વાયબ્રન્ટ બન્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer