નંદાસર પાસે પાણી સંગ્રહ માટે તળાવ બનાવવાની દિશામાં નક્કર કાર્યવાહીનો અભાવ

રાપર, તા. 13 : નર્મદા કેનાલ આધારિત રાપર શહેરમાં હાલ કેનાલ બંધ હોવાથી પીવાનાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં આ કટોકટી વધુ ઘેરી બનવાની દહેશત સતાવી રહી છે,  ત્યારે વિપક્ષ કોંગ્રેસે પાણી મુદ્દે નક્કર કામગીરી કરવામાં નહી આવે તો  આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.સુધરાઈના વિપક્ષી નેતા દિનેશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે જ્યારથી કેનાલ બંધ થઈ ત્યારે દર ચોથા દિવસે પાણી આપવામાં આવે છે અને તે પણ શહેરના તમામ વિસ્તારોમાં પહોંચતું ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.  કાળઝાળ ગરમીમાં શહેરીજનો પીવાનાં પાણી માટે વલખા મારી રહ્યા  છે. જ્યારે કોઈ વિસ્તારની પાણી સમસ્યાની રજૂઆત આવે ત્યારે સદસ્યોની જાણ બહાર લાઈનોમાં ફેરફાર કરી નખાય છે. સત્તાદીશોના આંતરિક વિખવાદમાં રાપરની  પ્રજા પીડાતી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો હતો. રાપર શહેર માત્ર કેનાલ આધારીત જ  હોઈ નંદાસર કેનાલ પાસે અથવા સરકાર જ્યાં સંગ્રહ માટે જગ્યા આપે ત્યાં તળાવ બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરના વિકાસ માટે વિપક્ષે ટેકો આપ્યો છે, પરંતુ આ દિશામાં  ચર્ચા બાદ આગળ કોઈ કામગીરી થઈ ન હોવાનું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું. રાપરના અમુક વિસ્તારોને બાદ કરતાં અનેક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સફાઈ પણ થતી નથી. અવાર -નવાર ગટરો બદલાય છે. સામાન્ય સભામાં શહરેની બે દાયકા જૂની ગટર લાઈન બદલવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી એ દિશામાં પણ કોઈ કામગીરી થઈ નથી. આગામી દિવસોમાં શહેરના પીવાનાં પાણી સહિતના પ્રશ્ને જો પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી નહી કરાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer