ભુજમાં સુપર સ્પેશિ. હોસ્પિટલ લોકાર્પણનું વડાપ્રધાનને નિમંત્રણ

ભુજમાં સુપર સ્પેશિ. હોસ્પિટલ લોકાર્પણનું વડાપ્રધાનને નિમંત્રણ
વસંત પટેલ દ્વારા -  નવી દિલ્હી, તા. 22 : જય સ્વામિનારાયણ.. આપ સારું કામ કરો છો, હું કચ્છ અને કચ્છીઓ સાથે વધુ જોડાવા તત્પર છું... શબ્દો સાથે નવી દિલ્હી સંસદ ભવન ખાતે કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રતિનિધિ મંડળને આવકારતાં ભારતના હૃદયસમ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યસ્તતા નહીં હોય તો પ્રત્યક્ષ અન્યથા પરોક્ષ રીતે કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને લોકાર્પિત કરવા સહમતી દર્શાવી હતી. ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડાના નેતૃત્વે કચ્છી આગેવાનો મોદીને મળ્યા હતા. ચાલુ સંસદગૃહ વચ્ચે મોદીએ સમય ફાળવી પ્રતિનિધિ મંડળને મહત્ત્વ આપ્યું હતું. તા.15થી 17 એપ્રિલ ઉત્સવ ઉજવાશે જેમાં વડાપ્રધાનની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી હશે.કચ્છ અને કચ્છીઓને મળવા આતુર કચ્છપ્રેમી એવા નરેન્દ્રભાઇએ બન્નીના દૂધ માવાને યાદ કર્યો હતો. ભુજમાં નિર્માણાધિન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની વિગતો આપતાં ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ માવજી ગોરસિયાએ લોકાર્પણ કરવા પ્રત્યક્ષ પધારવા વિનંતી કરી હતી અને નિર્માણની વિગતો આપી હતી. કચ્છ સ્થિત ઉદ્યોગો સહિતના વર્ગને આ હોસ્પિટલ ખૂબ ઉપયોગી થનાર હોવાની વાત કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે પરિચય આપતાં આપ કચ્છ પધારો, કચ્છીઓ ઉપરાંત ભાજપ પરિવાર-કાર્યકર્તાઓનો ઉત્સાહ વધુ બળવત્તર બનશે તેમ ઉમેર્યું હતું. મુલાકાત સંકલનકર્તા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ વિનંતી કરી હતી. પ્રત્યુત્તરમાં શ્રી મોદીએ પોતાના આગામી કાર્યક્રમો જોઇ શક્ય હશે તો પ્રત્યક્ષ કાં પરોક્ષ હાજર રહી લોકાર્પણ કરવા ખાતરી આપી દાતાઓને બિરદાવ્યા હતા. પ્રસંગમાં આફ્રિકા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, શિશલ્સ, અખાતી દેશો સહિતના દાતા અને પરિવારો ઉપસ્થિત રહેવાના હોવાની વાતને શ્રી મોદીએ વધાવી હતી અને કચ્છીઓના વતનપ્રેમને વખાણ્યો હતો. ગુજરાત બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા જોડાયા હતા અને વડાપ્રધાનને સ્મૃતિ અર્પણ કરી સન્માન કર્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરીયાએ કણબી પાઘ, ચેરમેન ગોપાલભાઇએ શાલ, મંત્રી કેશરાભાઇ પિંડોરીયાએ આમંત્રણ પત્રિકા આપી હતી. સમાજ ઉપપ્રમુખ માવજી રાબડિયા, શિવજી છભાડિયા, દાતા અને સત્સંગી આગેવાન કે. કે. જેસાણી, વસંત પટેલ જોડાયા હતા. કચ્છી આગેવાનોએ સંસદના વિવિધ વિભાગો, મધ્યસ્થ હોલ તથા નવા સંસદ ભવનના બાંધકામને નિહાળ્યું હતું. ગુજરાતના સાંસદો-આગેવાનોને કચ્છમાં શરૂ થનાર હોસ્પિટલની માહિતી અપાઇ હતી. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ શ્રી ચાવડાએ ભારપૂર્વક રજૂઆકમાં નરેન્દ્રભાઇ મોદીને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો. મોદીએ સહમતી આપવા સાથે અન્ય કોઇ વ્યસ્તતા નહીં હોય તો રૂબરૂ અન્યથા વર્ચ્યુઅલ જોડાવવા ખાતરી આપી હતી. 

© 2022 Saurashtra Trust