અંજાર સુધરાઇની સામાન્ય સભા તોફાની બની

અંજાર, તા. 28 : અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ત્રિમાસિક સામાન્ય સભામાં જેટિંગ-વેક્યુમ મશીન ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર ચર્ચા બાદ વિપક્ષી રાજેન્દ્રસિંહ જાડેજાએ સેવાના દરો જેવા કે પાણી, સફાઇ, ગટર વેરામાં 50 ટકા વધારાનો ઉગ્ર વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સુધરાઇમાં બહુમતીના જોરે લોકશાહીનું ખૂન કરી રહ્યા છે.ભાવવધારાના મુદ્દે આપેલી 1100થી વધુ અરજી સામે માત્ર બે દિવસની સુનાવણીમાં 279 જણના જ વાંધા સાંભળવામાં આવ્યા હતા. પૂરતી વાંધાની સુનાવણી વગર આ ભાવવધારાના મુદ્દે મતદાન કરાવવાની ઉગ્ર માગણી વિપક્ષની સ્વીકારાઇ ન હતી. આના પગલે વિપક્ષી નેતાએ એજન્ડાની નકલ ફાડી વિરોધ કરી સભાનો બહિષ્કાર કર્યો હતો. તો અગાઉ પણ સુધરાઇ દ્વારા ખરીદ કરવામાં આવેલા જેટિંગ કમ વેક્યુમ મશીનની ખરીદીથી ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મશીન નવું હોવા છતાં કામ કરતું ન હોવાથી પરત કરવાનું નક્કી કરી જવાબદારો સામે પગલાં લેવાની કોઇ કાર્યવાહી કરાતી ન હોવાના આક્ષેપથી સામાન્ય સભાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું.આ વિરોધના પગલે શાસક પક્ષના નેતા સુરેશભાઇ ટાંકે જણાવ્યું હતું કે, પાણી, લાઇટ, સફાઇ, ગટરની સેવાની કામગીરીમાં વિકાસની ગ્રાન્ટો વપરાઇ જતી હોવાથી શહેરના વિકાસ માટે આ વધારો ખૂબ જ જરૂરી છે.જો કે, સુધરાઇમાં 36માંથી 35 બેઠક મેળવી સત્તા મેળવનાર ભાજપ પક્ષના જ કેટલાય નગરસેવકો-સેવિકાઓ આ ભાવવધારાના મુદ્દે સહમત ન હતા, પરંતુ વિરોધ પણ કરી શક્યા ન હતા.આજની આ સામાન્ય સભામાં 36માંથી શાસક પક્ષના 27 અને વિપક્ષના 1 સહિત કુલ્લે 28 સભ્યો હાજર રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.આજની આ સામાન્ય સભામાં વિજયનગર જનરલ હોસ્પિટલ પાછળ આંગણવાડી કેન્દ્ર નંબર 36ના નવા મકાન માટે જગ્યાની ફાળવણી કરાઇ?હતી. રૂા. 12.97 હજારના ખર્ચે નવા 500 નંગ મેન હોલ કવર ખરીદવા માટે મંજૂરી અપાઇ હતી તેમજ અટલબિહારી વાજપેયી અંગ્રેજી સ્કૂલની પાછળ ટોયલેટના બાકી રહેતા કામો માટે રૂા. 10,8,000 મંજૂર કરાયા હતા. હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં ગેસ આધારિત સગડી માટે વધારાના કામ માટે રૂા. 12,58,250ની મંજૂરી અપાઇ હતી. રૂા. 10 લાખના ખર્ચે સુધરાઇના જુદા જુદા ખાતાના રેકર્ડને વર્ગીકરણના નિયમ મુજબ રેકર્ડ રેક બનાવવા માટે મંજૂર કરાયા હતા.શબવાહિનીની મફત સેવા 20 કિ.મી.ની ત્રિજ્યામાં કરવાનું નક્કી કરાયું હતું. રૂા. 36,36,483ના ખર્ચે મ્યુનિસિપલ ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ, ગેટ, સેલ્ફી પોઇન્ટ, ફૂલોના ક્યારા વિકસાવવા માટે મંજૂરી અપાઇ હતી. ઠરાવનું વાંચન શાસક પક્ષના નેતા શ્રી ટાંકે કર્યું હતું. ચીફ ઓફિસર જિગર પટેલ, કચેરી અધીક્ષક ખીમજીભાઇ સીંધવે કામગીરી સંભાળી હતી.સામાન્ય સભા ભારે ઉગ્ર-વિરોધ વચ્ચે ભાવવધારાના મુદ્દે મતદાન કરવાની માંગથી વાતાવરણ ગરમાયું હતું. બેઠકમાં કારોબારી ચેરમેન વિજયભાઇ પલણ, ઉપનગરપતિ બહાદુરસિંહ જાડેજા, અનિલભાઇ પંડયા, મયૂર સીંધવ, અમરીષ કંદોઇ, મંજુલાબેન માતંગ, ડાયાલાલ મઢવી, નીલેશભાઇ ગોસ્વામી, કાશીબેન ખાંડેકા, શિલ્પાબેન બુદ્ધભટ્ટી, સુરેશભાઇ ઓઝા, વૈભવ કોડરાણી, ઝંખનાબેન સોનેતા, કલ્પનાબેન ગોર, નશીમબાનુ રાયમા, ગાયત્રીબા ઝાલા, પાર્થ સોરઠિયા, હર્ષાબેન ગોહીલ, ઇલાબેન ચાવડા વિગેરેએ ચર્ચામાં ભાગ લઇ સહમતી દર્શાવી હતી. સુધરાઇના સેવાદરો ઉપર વધારાના નિર્ણયથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. અનેક જાગૃત નાગરિકો દ્વારા ન્યાયક્ષેત્રે પડકારવાનું વિચારાધીન હોવાનું જાણવા મળ્યું હતું.