જિ.પં.ના તમામ સભ્યનાં 7-7 લાખનાં કામ મંજૂર

જિ.પં.ના તમામ સભ્યનાં 7-7 લાખનાં કામ મંજૂર
ભુજ, તા. 28 : જિલ્લા પંચાયતના તમામ 40 સભ્યોને તેમના વિસ્તારમાં રૂા. 7-7 લાખના વિકાસકામો સૂચવવા જણાવાયું હતું. તે માટે રૂા. 2.80 કરોડની ગ્રાંટની ફાળવણી સ્ટેમ્પ ડયુટી અને રોયલ્ટી સદરમાંથી કરાઈ હતી. જેનો આજની સામાન્ય સભામાં ઉપસ્થિત વિપક્ષે અપૂરતી ફાળવણી ગણાવી આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેમની બેઠક હેઠળના ગામોની સંખ્યા જોતા ગામદીઠ 50-50 હજાર પણ નથી થતા. પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઉપપ્રમુખ વણવીરભાઈ રાજપુત અને સભ્ય સચિવ ડીડીઓ ભવ્ય વર્માએ મંચસ્થ રહી સંચાલન કર્યું હતું. અગાઉની સામાન્ય સભાની કાર્યનોંધને બહાલી આપ્યા બાદ પ્રશ્નોત્તરીનો આરંભ કરાયો હતો.વિપક્ષને તેમના પ્રશ્નોના જવાબ લેખિતમાં શાખાધ્યક્ષો દ્વારા આપી દેવાયા હોવાથી કોરોનાના કારણે પ્રશ્નોત્તરી રહેવા દેવાની પ્રમુખે વાત કરતા વિપક્ષી ઉપનેતા તકીશા ઈબ્રાહીમ સૈયદે બધાને જાણ થાય તે માટે પ્રશ્નોત્તરીનો આગ્રહ રાખ્યો હતો. જોકે વિપક્ષી સભ્યોને તેમના જવાબો સામાન્ય સભામાં કર્મચારીઓ આપતા નજરે પડયા હતા. સત્તાપક્ષના ત્રણ અને વિપક્ષના એક સભ્ય હાજર રહ્યા હતા.પ્રશ્નોત્તરીમાં ભાવનાબા જાડેજાના વિકાસકામોની માહિતી નારાણભાઈ મહેશ્વરીનો પ્રશ્ન કોટડા ઉ.પંચાયત જર્જરિત મકાન, સમા મરીયમબેન રસીદના આરોગ્ય વિભાગમાં ભાડે રખાયેલા વાહનો, મંજુલાબેન ડાંગરના ઉ.પ્રા.શાળા મર્જ, મીનાબા જાડેજાનાં પશુ ગણતરી તથા લખપત તાલુકામાં ગ્રામસેવક ઘટના પ્રશ્નો ચિઠ્ઠી પધ્ધતિથી લેવાયા હતા.લખીબેન ડાંગરના શિક્ષક ઘટનો પ્રશ્ન નીકળતા વિપક્ષે કાયમનો વણઉકેલ ગણાવ્યો હતો.લખપતની મામલતદાર કચેરી દવાખાનામાં બેસે છે. મકાન પણ નથી તેવા મામદ જતના પ્રશ્નના ઉત્તરમાં પ્રમુખે દરખાસ્ત મોકલવાનું આશ્વાસન આપ્યું હતું. ઉપપ્રમુખ વણવીરભાઈ રાજપુતે પણ સાચો મુદ્દો ગણાવ્યો હતો. કચ્છના નર્મદાના કામોની મંજૂરી મુદ્દે સરકારનો આભાર વ્યક્ત કરતો ઠરાવ કરાયો હતો.રૂા. 2.80 કરોડના ઠરાવની દરખાસ્ત અરજણ છાંગાએ મૂકી હતી જેને ગંગાબેન સેંઘાણીએ ટેકો આપ્યો હતો. ફેરફારવાળા સ્ટેમ્પ ડયૂટીના કામોની 1.31 કરોડની દરખાસ્ત કરશનજી જાડેજાએ ભચુભાઈ વૈદ્યે ટેકો આપ્યો હતો. જયારે આઠ લાખની દરખાસ્ત દામજીભાઈ ચાડે મુકતા મહાવીરસિંહ જોગુએ ટેકો આપ્યો હતો. જિ.પં.ની મોબાઈલ એપ, સોફટવેરના ડીડીઓનું નવું વાહન ખરીદવાના ઉપરાંત નખત્રાણા તા.ના નવાવાસ લીફરી જૂથ ગ્રામ પંચાયતમાંથી લીફરીને અલગ ગ્રા.પં.નો ઠરાવ કરાયો હતો.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer