અંજાર સુધરાઈમાં આકરાં પાણીએ મહિલાઓ ધસી જતાં પોલીસ બોલાવાઈ

અંજાર, તા. 28 : અંજાર સુધરાઈમાં સત્તાપક્ષ ભાજપની નવી બોડીની રચના થયાને 10 માસ જેટલો સમય વિત્યો છતાંય કોઈ પણ લોકલક્ષી કાર્યો ન થતાં હોવાની વ્યાપક ફરિયાદો અવારનવાર શહેરીજનોના મુખે સાંભળવા મળતી હોય છે. સૂત્રોની માનીએ તો સત્તાપક્ષના આંતરિક વિખવાદના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે જ યોગ્ય તાલમેલની ઊણપ છે, જેનો ભોગ અંજારના લોકો બની રહે છે. આજે અંજારના વોર્ડ નં-1માં આવેલા ઓમનગર અને શિવાજીનગરની સ્થાનિક 25થી 30 મહિલાઓ પાલિકા કચેરીમાં ધસી આવી હતી. જેનું મુખ્ય કારણ તેમના વિસ્તારમાં પાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. સ્થાનિકોના મતે તેમના વિસ્તારમાં યોગ્ય રોડ-રસ્તા, સફાઈ ગટર અને પીવાનાં પાણીની વ્યાપક તકલીફો છે. અનેક વખત સ્થાનિક સુધરાઈ સભ્યોને રજૂઆતો કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કામગીરી હાથ ધરાઈ નથી. સામાન્ય સભા પૂરી થતાં જ વોર્ડ નંબર 1ની મહિલાઓ દ્વારા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિનો ઘેરાવ કરી તે વિસ્તારની રજૂઆતોને ત્વરિત ધ્યાને લેવા આકરું વલણ દાખવ્યું હતું. મહિલાઓનો રોષ જોતાં પ્રમુખ તેમની ચેમ્બરમાં દોડી ગયા અને વોર્ડ નં-1 વિસ્તારની મહિલાઓને સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. જેનાં પરિણામે રજૂઆત કરવા આવેલી મહિલાઓ ઉશ્કેરાઈ હતી અને પ્રમુખના અધ્યક્ષ સ્થાને નગરસેવકોની ચાલીરહેલી બેઠકમાં ધસી જતાં ડરથી સત્તાધીશોએ સ્થાનિક પોલીસ બોલાવી હતી. જેના કારણે રજૂઆત કરવા માટે આવેલી મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો.