કોજાચોરાની પેટા નહેરના કામમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભુજ, તા. 28 : માંડવી તાલુકાના કોજાચોરા ગામે વિજય સાગર ડેમની પેટા નહેરના કામમાં 900 એમએમ ડાયામીટરના પાઇપના બદલ 750 એમએમના પાઇપ વાપરવા તથા કામની લંબાઇ ઓછી કરી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર, ના.કા.ઇ. ટીડીઓ, સરપંચ અને તલાટી તમામે સાથે મળી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કરી ડીડીઓને લેખિત રજૂઆત કરી ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ કરી હતી.આ પૂર્વે જિ.પં. સંકુલમાં વિગતો આપતાં વી.કે. હુંબલે જણાવ્યું કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર સિંચાઇ વિભાગમાં થાય છે. તળાવ ઊંડા કરવાના કામો વરસાદમાં પાણી ભરાઇ જાય પછી ભ્રષ્ટાચારની તપાસ શક્ય બનતી નથી. પૂર્વ વિપક્ષી ઉપનેતા કિશોરસિંહ જાડેજાએ પણ તળાવના કામો 15 જૂન પછી ન કરી શકાય તેવો નિયમ હોવા છતાં કામો એપ્રિલ મે ને બદલે જૂનમાં કરાય છે. વિપક્ષી ઉપનેતા તકીશા સૈયદે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. પ્રતિનિધિ મંડળમાં વિપક્ષી નેતા લખીબેન ડાંગર, માંડવી તા.ના દશરથસિંહ, રામદેવસિંહ જાડેજા, રસીદભાઇ સમા, મંજુલાબેન, હરીશ આહીર, ગનીભાઇ કુંભાર વગેરે જોડાયા હતા.