ભુજનાં બ્રેનડેડ રેખાબેને પાંચ જિંદગીમાં ઉજાશ પાથર્યો

ભુજ, તા. 28 : શહેરના મહિલા સામાજિક કાર્યકરે પોતાના જીવનના અંત પછી પણ અનેક લોકોના જીવનમાં ઉજાશ પાથર્યો હોવાનો કિસ્સો બન્યો છે.અંગદાનના મહત્ત્વનો સરકાર ખૂબ જ પ્રચાર કરી રહી છે. ત્યારે અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા ભુજના રેખાબેન કીર્તિભાઈ વોરાએ પોતાના અંતિમ સમયે અંગદાન કર્યું અને પાંચ લોકોની જિંદગીને સુધારવામાં ઉપયોગી બન્યા હતા. કિસ્સાની વિગતો એવી છે કે, વાગડ સાત ચોવીસી જૈન સમાજ ભુજના રેખાબેનનું 54 વર્ષની નાની વયે અવસાન થયું હતું. તેઓ લાયન્સ ક્વિન્સના સ્થાપક પ્રમુખ, લાયોનેસ ક્લબ ભુજના પ્રમુખ, ઈન્નરવ્હીલ કલબના પ્રમુખ રહી ચૂક્યા છે. વાગડ સાત ચોવીસી જૈન સમાજના સામાયિક મંડળની સ્થાપનાથી 17 વર્ષ સુધી જોડાયેલા રહ્યા. આમ અનેક વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે પણ સંપર્કમાં હતા. તેમના નિધનથી લાયન્સ કલબ ક્વિન્સ તથા સામાયિક મંડળ સહિતના મંડળોને મોટી ખોટ પડી હતી. તબિયત નાદુરસ્ત થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. મોટા ઓપરેશન કરવામાં આવ્યા પછી પણ તેમને બચાવી શકાયા ન હતા. તેમના પરિવારમાં તેમના પતિ કીર્તિભાઈ વોરાએ, દીકરીઓ હેલી, વિરાલી તથા જમાઈ દીપ ગઢેચા વગેરેએ નિર્ણય કર્યો કે તેમના શરીરના અંગો દાન કરીએ. રેખાબેન પણ જીવન સમયમાં અનેકને ચક્ષુદાન વગેરેની પ્રેરણા આપતા તે તેમની ઇચ્છા પ્રમાણે પરિવારે બે આંખો, બે કિડની, લિવર વગેરે જે કોઇપણ અંગ અન્યમાં પ્રત્યારોપણ કરવા માટે કામ આવે તે હેતુથી ડોકટરોની ટીમને દાનમાં આપવાની વાત કરતા એક ખૂબ જ ઉમદા નિર્ણયનો અમલ થયો અને અન્ય લોકોનાં જીવનમાં રેખાબેન મૃત્યુ પછી પણ અજવાળું પાથરતા ગયા હતા.સદ્ગતના પતિ કીર્તિભાઇ અને તેમની દીકરીએ જણાવ્યું કે, અંગદાન કરવાની કોઇપણ પરિવારની ભાવના હોય તો તે જ સમયે એટલે કે, અંતિમ સમયે તેમજ તે પહેલાં પણ તમે અનેક સંસ્થાઓમાં તેમજ ખાસ કરીને તબીબો પાસે આ વિષયનું માર્ગદર્શન મેળવી શકાય છે. પરિવારના ઉપયોગી નિર્ણયથી અનેકની જિંદગીને મદદરૂપ થવાનું પ્રશંસનીય કામ થયું છે. રેખાબેન ભલે હવે દુનિયામાં નથી પણ તેમણે લોકોને જે સંદેશ આપ્યો છે તેની સુવાસ વર્ષો સુધી સમાજ યાદ રાખશે.