અલ્પેશ એસ. ગોસ્વામી દ્વારા -
મોરબી, તા.28 : કચ્છ જિલ્લામાં વરસાદી પાણી રોકવા અને જમીનમાં ઉતારવા માટેનું એક અભિયાન `ગ્લોબલ કચ્છ' દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. આ અભિયાનના પહેલા ચરણમાં અબડાસા, નખત્રાણા, નલીયા તાલુકાના 150થી વધારે ગામડામાં પાણીનો સંગ્રહ કરવાની ઝુંબેશ ચાલુ કરેલી છે. 30 મે સુધી તળાવો ઉંડાં કરવા, ચેકડેમ બનાવવા, કુવા રીચાર્જ કરવા વગેરે વર્ક માટે એક હરીફાઈનું આયોજન કરાયું છે. 15 વર્ષ પહેલા પાટીદાર ભામાશા ઓધવજીભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લાના ચાચાપર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચ થકી 6 થી 7 ચેકડેમ અને ત્રણથી ચાર તળાવ તથા કુવા રીચાર્જ પર કામ થયું હતું. પરિણામ સ્વરૂપ ભૂગર્ભ તળ ઊંચા આવ્યા છે. જળસંચયના સચોટ પ્રયાસ થકી ચાચાપર ગામના ખેડૂતોની ઉત્પાદકતા અને સુખાકારીમાં ખૂબ જ મોટો વધારો થયો છે. ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ પાસેથી મળેલી માહિતી મુજબ આ જ રીતે કચ્છના દરેક ખેડૂતોની કાર્યદક્ષતામાં વધારો થાય તેવા ઉન્નત વિચારથી અજંતા-ઓરેવા ગ્રુપના વડા જયસુખભાઇએ ગ્લોબલ કચ્છના અભિયાન સાથે જોડાયેલા ત્રણ તાલુકાના આશરે 150 ગામના પ્રતિનિધિઓને ચાચાપર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરાવી. જયસુખભાઈ તરફથી `જળ સંગ્રહ' તથા `ભૂગર્ભ જળ'ની કાર્યદક્ષતામાં વધારો કરીને ખેત ઉત્પાદકતામાં કેવી રીતે વૃદ્ધિ લાવી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. રણ સરોવર રૂપી અદ્ભુત વિચાર અને પહેલ બદલ કચ્છના ખેડૂત પ્રતિનિધિઓએ જયસુખભાઇને સન્માનિત કર્યા હતા.આયોજનબદ્ધ વોટર મેનેજમેન્ટ ખેત ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બનતું હોય છે માટે અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઈએ દરેક ખેડૂતોને ચાચાપર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને તેમના ઉત્સાહ અને કાર્યશક્તિમાં ખૂબ જ વધારો કર્યો જે ખુબ જ સરાહનીય છે. જળસંગ્રહના મોડલ સ્વરૂપ મોરબીના ચાચાપર ગામની દરેક ખેડૂતોએ પ્રશંસા કરી. યોગ્ય જળસંગ્રહ કરીને ખેત ઉત્પાદકતા વધારવા માટેની ચાચાપર ગામની આ પ્રત્યક્ષ મુલાકાત દરેક ખેડૂતને ખુબ જ ઉપયોગી બનશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવીને ગ્લોબલ કચ્છ અને આવેલ દરેક ખેડૂત પ્રતિનિધિઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
ચાચાપર ગામનાં જળસંગ્રહનાં કામો નિહાળી કચ્છના ખેડૂતો પ્રભાવિત
