રાષ્ટ્રનાં નવાં શૈક્ષણિક માળખાંમાં વૈદિક જ્ઞાનને સ્થાન

કેરા, (તા. ભુજ) તા. 28 : વર્તમાન કેન્દ્ર સરકારે રાષ્ટ્રના શૈક્ષણિક અભ્યાસક્રમ અને વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કર્યાનો અણસાર ભુજ કચ્છી લેવા પટેલ સમાજ આયોજીત ચિંતન શિબિરમાં ગુજરાત ટેકનિકલ યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. નવીન શેઠે આપ્યો હતો. પટેલ ચોવીસીની શૈક્ષણિક સંસ્થાઓ જોડાઇ હતી.માત્ર મુધલ ઇતિહાસ અને વ્યર્થ તવારિખો ગોખી ઉતીર્ણ થવાનું હવે ભૂતકાળ બની શકે છે ભારતની વૈદિક પરંપરા અને સંસ્કૃતિ અનુરૂપ અભ્યાસક્રમ આવી રહ્યો છે તેવી વાત કચ્છી લેવા પટેલ સમાજ ભુજ આયોજીત ચિંતન શિબિરમાં વક્તા ડો. શેઠે કરી હતી. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એવા તેમણે ઉમેર્યું કે આપણો ભારતીય વારસો સમૃધ્ધ છે. શ્રવણ, અર્જુન, એકલવ્ય જેવા આદર્શ સબંધો પ્રેરક છે. માતૃભાષાને પુન: પ્રસ્થાપિત કરવા ધો. 1થી 5માં ફરજીયાત રખાશે.તેમણે વિશ્વભરમાં માબોલીના મહત્વને મજબૂત કરતા અનેક ઉદાહરણ આપ્યા હતા. પટેલ ચોવીસીની કોડકી લેવા પટેલ સરસ્વતી વિદ્યામંદિર, સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર મિરજાપર વેકરા, નારાણપર, સુરજપર, સુખપર તેમજ ભુજની સમાજની આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય, કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર સહિત કુલ્લ 9 સંસ્થાઓએ ભાગ લીધો હતો તેમના સંચાલક ટ્રસ્ટીઓ, શિક્ષકો જોડાયા હતા. સંકલન એજ્યુ. મેડિ. ટ્રસ્ટ મંત્રી કેશરાભાઇ પિંડોરીયાના નેજા હેઠળ થયું હતું. શિબિરનો હેતુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતીને સમજવાનો હતો. પ્રારંભે સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરીયાએ સૌને આવકાર્યા હતા. મોભી ગોપાલ ગોરસીયા, અરજણ પિંડોરીયા તથા સમાજની ત્રણેય પાંખો પૈકીના સભ્યો હાજર રહ્યા હતા. શાબ્દીક સ્વાગત ગૃહપતિ ભરત જોશીએ કર્યું હતું.