ચેક પરત કેસમાં સજા અને દંડ બાદ પૂર્વ કચ્છનું મોટું માથું જેલના હવાલે

ભુજ, તા. 28 : એંસી લાખ રૂપિયાના મૂલ્યના જુદાજુદા ત્રણ કેસ બેન્કમાંથી પરત ફરવાના કેસમાં સૌરાષ્ટ્રના રાજકોટની અપીલ અદાલત દ્વારા કચ્છના મોટા માથા એવા પૂર્વ કચ્છના પૃથ્વીરાજાસિંહ ઉર્ફે અનિરૂઘ્ધાસિંહ જાડેજાને એક વર્ષની કેદ અને ચેકના મૂલ્યની રકમનો દંડ કરતી સજા ફટકારી હતી. લાંબા સમયના કાયદાકીય જંગ બાદ આરોપી રાજકોટની અદાલત સમક્ષ હાજર થતા કોર્ટ દ્વારા રાજકોટની જેલમાં મોકલી આપતો હુકમ કર્યો હતો. રાજકોટના ઉદ્યોગપતિ અને પક્ષીપ્રેમી દિલીપભાઇ ભીખાભાઇ તંતીના દ્વારા સબંધના નાતે 16 વર્ષ અગાઉ ઉછીના આપેલા રૂા. 80 લાખના બદલામાં અપાયેલા કુલ્લ ત્રણ ચેક બેન્કમાંથી પરત ફરતા આ કેસ ઉભો થયો હતો. આ પ્રકરણમાં રાજકોટની જે.એમ.એફ.સી. અદાલતે આરોપી પૃથ્વીરાજાસિંહ ઉર્ફે અનિરૂઘ્ધાસિંહને તકસીરવાનઠેરવી એક વર્ષની સાદી કેદ અને ચેકના મૂલ્યની રકમના દંડની સજા કરી હતી. જે.એમ.એફ.સી. કોર્ટના ચૂકાદા સામે સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ કરાઇ હતી. જેમાં પણ સુનાવણીના અંતે કેદ અને દંડ સાથેની સજા કાયમ રાખતો આદેશ કરાયો હતો. ચૂકાદા બાદ ગત તા. 16મી જાન્યુઆરીના પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઇ હતી. આ સમયે મગજની બિમારીના કારણે તબિયત લથડતા આરોપીને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ દરમ્યાનમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીવીજન દાખલ કરાઇ હતી. જેની સુનાવણીમાં ફરિયાદ પક્ષ દ્વારા દંડની રકમ ભરાવવા માટે દલીલો રજુ કરતા ચેકના રકમની 30 ટકા રકમ ભરવાનો આદેશ કરાયો હતો. જે અન્વયે રૂા. 24 લાખ ભરપાઇ કરાયા છે. જયારે બાકીની રકમની ભરપાઇ માટે સુનાવણી આવતા અઠવાડિયામાં મુકરર કરાઇ છે. દરમ્યાન બાર દિવસ હોસ્પિટલ ખાતે રહયા બાદ આરોપીની પોલીસ જાપ્તા સાથે રાજકોટની અદાલત સમક્ષ પેશગી કરાતા રાજકોટ જિલ્લા જેલ ખાતે મોકલી આપતો હુકમ આજે કરાયો હતો.આ કેસમાં ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે પ્રશાંત ખંઢેરીયા અને નરેન્દ્રાસિંહ ઝાલા રહયા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer