નાદાલ વિક્રમી 21મા ગ્રાંડસ્લેમ ખિતાબથી એક જીત દૂર

મેલબોર્ન, તા. 28 : રાફેલ નાદાલ તેના બે પરંપરાગત હરીફ રોઝર ફેડરર અને નોવાક જોકોવિચને પાછળ રાખીને રેકોર્ડ 21મા ગ્રાંડસ્લેમ ખિતાબથી ફકત એક જીત દૂર છે. સ્પેનના 3પ વર્ષીય રાફેલ નાદાલનો ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રૂસી ખેલાડી અને વિશ્વ નંબર બે દાનિલ મેદવેદેવ સામે મુકાબલો થશે. જે રવિવારે રમાશે. જ્યારે શનિવારે મહિલા વિભાગની ફાઇનલમાં નંબર વન એશ્લે બાર્ટી સામે અમેરિકી ખેલાડી કોલિન્સ હશે.આજે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં નાદાલે ઇટાલીના ખેલાડી માટિયો બેરેટિની વિરુદ્ધ 6-3, 6-2, 3-6 અને 6-3થી શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ નાદાલ ગ્રાંડ સ્લેમ ટૂર્નામેન્ટમાં 29મી વખત ફાઇનલમાં પહોંચ્યો છે. ફેડરર-જોકોવિચ 31-31 વખત ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ ધરાવે છે. જો કે નાદાલ હવે વિક્રમી 21મા ગ્રાડસ્લેમ ટાઇટલથી એક જીત દૂર છે. આ માટે તેણે ફાઇનલમાં મેદવેદેવની બાધા પાર કરવી પડશે. નાદાલ ફકત 2009માં એકવાર જ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન થયો છે. જ્યારે બીજી સેમિ ફાઇનલમાં રશિયાના ખેલાડી દાનિલ મેદવેદેવનો ગ્રીસના વિશ્વમાં ચોથો ક્રમાંક ધરાવતા ખેલાડી સ્ટેફનોસ સિટસિપાસ સામે 7-6, 4-6, 6-4 અને 6-1થી વિજય થયો છે. છેલ્લે અમેરિકી ઓપનમાં ચેમ્પિયન બનનાર મેદવેદેવ તેના બીજા ગ્રાંડસ્લેમ ટાઇટલથી એક જીત દૂર છે. ફાઇનલમાં તેની ટકકર ધુરંધર નાદાલ સામે થશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં મેદવેદેવની જોકોવિચ સામે હાર થઇ હતી. જોકોવિચ આ વખતે વેકિશન ન લેવા સબબ ટૂર્નામેન્ટની બહાર થયો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer