અન્ડર-19 વર્લ્ડકપ : ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતની બાંગલાદેશ સામે ટક્કર

ઓસબોર્ન (એન્ટીગા), તા. 28 : કોરોના સંક્રમણથી પ્રભાવિત ભારતીય ટીમ તેના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની વાપસીથી મજબૂત થશે. રેકોર્ડ ચાર વખતની ચેમ્પિયન યુવા ભારતીય ટીમનો ઇરાદો શનિવારે રમાનાર અન્ડર-19 વર્લ્ડ કપની ત્રીજી કવાર્ટર ફાઇનલમાં ગત ચેમ્પિયન બાંગલાદેશ વિજય સાથે આગેકૂચ કરવાનો રહેશે. ટૂર્નામેન્ટના પ્રારંભ બાદ કપ્તાન યશ ધૂલ સહિતના ભારતના અરધો ડઝન ખેલાડી પોઝિટિવ થયા હતા. જેમાંના મોટા ભાગના હવે તેમાંથી બહાર આવી ગયા છે અને કવાર્ટર ફાઇનલમાં રમવા તૈયાર છે. આમ છતાં યુવા ભારતીય ટીમ આસાનીથી ગ્રુપમાં ટોચ પર રહીને કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે.રિપોર્ટ અનુસાર કપ્તાન યશ ધૂલ, ઉપકપ્તાન શેખ રશીદ, સિદ્ધાર્થ યાદવ, આરાધ્ય યાદવ અને માનવ પરીખ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. યુગાન્ડા સામેની આખરી મેચમાં સદી કરનાર  ઓપનર અંગકૃષ રઘુવંશી અને ઓલરાઉન્ડર રાજ બાવા વધુ એક મેચ વિજયી ઇનિંગ્સ રમવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. સ્પિનર વિક્કી ઓસ્તવાલ ટૂર્નામેન્ટમાં ભારત માટે સફળ બોલર સાબિત થયો છે. તેની સામે બાંગલા બેટધરોની કસોટી થશે. આ ઉપરાંત હરીફ ટીમના બેટધરો માટે રાજવર્ધન હંગારગેકરની રફતારનો સમાનો પણ આસાન નહીં રહે. તાજેતરમાં યુએઇમાં રમાયેલા અન્ડર-19 એશિયા કપની સેમિમાં ભારતે બાંગલાદેશને હાર આપી હતી પછી ખિતાબ જીત્યો હતો.બીજી તરફ બાંગલાદેશની ટીમ તેની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે હારી હતી. આ પછી તેણે કેનેડા અને યુએઇને હાર આપીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ભારત સામે તેની અગ્નિપરીક્ષા થશે. આ ઉપરાંત તેમના પર ખિતાબ બચાવવાનું દબાણ પણ હશે. મેચ ભારતીય સમય અનુસાર શુક્રવારે સાંજે 6-30થી શરૂ થશે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer