કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઇકોર્ટ દ્વારા તત્કાલીન પી.આઇ.ની જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 28 : મુંદરા પોલીસ મથકના રાજ્યભરમાં ચકચારી બનેલા કસ્ટોડિયલ ડેથ કેસમાં હાલે ફરજમોકૂફ એવા મુંદરાના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર જયેન્દ્રાસિંહ અનોપાસિંહ પઢિયારની નિયમિત જામીન અરજી રાજ્યની વડી અદાલતે નામંજૂર કરતો ચુકાદો આજે આપ્યો હતો. કેસના ખાસ સંજોગો અને ગુનાની ગંભીરતા કેન્દ્રમાં રાખીને હાઇકોર્ટએ આ ચુકાદો આપ્યો હતો.ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ એસ.એચ. વોરા સમક્ષ આ નિયમિત જામીનની અરજી મુકાઇ હતી. આરોપી ફરજમોકૂફ પી.આઇ. માટે એવી દલીલો કરાઇ હતી કે તેમણે ભોગ બનનારને માર્યા નથી એટલે 302ની કલમ તેમને લાગુ પડતી નથી. પોલીસ મથકના અધિકારી તરીકે માત્ર તેમની ભૂમિકા કલમ 304 (1)ના ભંગની બની રહે છે. જ્યારે કેસના ફરિયાદ પક્ષ અને સરકાર પક્ષ વતી થયેલી દલીલો મુજબ આરોપી બનાવ સમયે ફરજ ઉપર હતા અને તેમની ફરજ રક્ષક તરીકેની હતી જે ફરજ તેમણે યોગ્ય રીતે બજાવી નથી.બન્ને પક્ષની દલીલો સાંભળી જરૂરી આધાર-પુરાવા તપાસી ન્યાયાધીશ શ્રી વોરાએ કેસના ખાસ સંજોગો અને ગુનાની ગંભીરતા કેન્દ્રમાં રાખી આ સંજોગોમાં કોર્ટ કૂણું વલણ અપનાવી શકે નહીં તેવા તારણ સાથે નિયમિત જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.ચુકાદામાં ન્યાયાધીશે એવું પણ નોંધ્યું હતું કે અન્ય આરોપી એવા પોલીસ કર્મચારીઓ તથા જમીન પચાવી પાડવાનો જેના ઉપર આરોપ છે તેવા સૂત્રધાર આરોપી જયવીરસિંહ જાડેજા વિ. દ્વારા આચરાયેલા કૃત્યમાં પી.આઈ.ની સક્રિય મદદગારી રહેલી છે. તો વ્યક્તિ સ્વતંત્રતાની રક્ષાની ફરજમાં પણ આરોપી નિષ્ફળ રહ્યાનું લાગી રહ્યું છે.તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે પ્રકરણના સૂત્રધાર આરોપી સમાઘોઘાના માજી સરપંચ જયવીરાસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કર્યા બાદ હવે હાઇકોર્ટ દ્વારા તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જામીન ન આપતાં આરોપીઓને વધુ એક ઝટકો લાગ્યો છે.હાઇકોર્ટમાં સુનાવણીમાં સરકાર વતી અધિક પબ્લિક પ્રોસિકયુટર કુ. સી.એમ. શાહ અને ફરિયાદ પક્ષ વતી કે.આર. દવે હાજર રહ્યા હતા.જ્યારે સ્થાનિકેથી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા અને એચ.કે. ગઢવી ઉપરાંત આર.એસ. ગઢવી, ડી.એન. બારોટ, વી.પી. ગઢવી, આર.એમ. ગઢવી તથા ગઢવી સમાજ ભુજના તમામ ધારાશાત્રી જોડાયા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer