દીનદયાળ પોર્ટ ઓથોરિટીનું બોર્ડ જાહેર : 12 સભ્ય નક્કી કરાયા
ગાંધીધામ, તા.28 : ભારત સરકારે તમામ મહાબંદર ટ્રસ્ટોને હવે સત્તામંડળમાં પરિવર્તિત કરતાં ફેબ્રુઆરીથી તેનો અમલ થવાનો છે. ગઈકાલે શિપીંગ મંત્રાલયે એક જાહેરનામા દ્વારા આ સત્તામંડળનું બોર્ડ કેવું હશે તે જાહેર કર્યું છે. આ બોર્ડમાં કુલ્લે 12 પ્રતિનિધિ હશે. ડીપીટીના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજયના પ્રતિનિધિ, રેલ્વેના પ્રતિનિધિ, સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિ, કસ્ટમના પ્રતિનિધિ, ત્રણ સ્વતંત્ર સભ્ય (ટેકનીકલ), એક કેન્દ્ર સરકાર નિયુક્ત કરે તે અને બે પ્રતિનિધિ કામદારોના મળીને કુલ્લે 12 સભ્યો આ નવા સત્તામંડળ બોર્ડમાં રહેશે. કોસ્ટગાર્ડ અને મર્કન્ટાઈલ મરીન વિભાગ (એમ.એમ.ડી.)ની બોર્ડમાંથી બાદબાકી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટનું ટ્રસ્ટીમંડળ 19 સભ્યોનું બનતું હતું. જેમાં અધર ઈન્ટરેસ્ટ, ચેમ્બર વગેરેનું પણ પ્રતિનિધિત્વ પણ રહેતું હતું. હવે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના બદલે આવતા મહિનાથી ઓથોરીટી બનશે. અલબત્ત કામદાર પ્રતિનિધિ અને કામદાર સંગઠનોના સંખ્યાબળ સંદર્ભે કઈ પધ્ધતિ અખત્યાર કરવી તે મુદે્ દિલ્હીમાં હજુ બેઠકો ચાલી રહી હોવાનુ જાણવા મળ્યું છે.