ગાંધીધામમાં પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો

ગાંધીધામ, તા. 28 : શહેરના નવી સુંદરપુરી ચાર રસ્તા નજીક મેડિકલ અંગેના પ્રમાણપત્ર વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 6837નો મેડિકલને લગતો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.શહેરના સુંદરપુરી ચાર રસ્તાથી રામબાગ હોસ્પિટલ જતા માર્ગ ઉપર નવી સુંદરપુરી વિસ્તારમાં પોલીસે છાપો માર્યો હતો. આ વિસ્તારમાં  આવેલી સીએમએસ એન્ડ ઇ.ડી. સેન્ટર નામની દુકાનમાં એક શખ્સ કોઇ પણ જાતની ડિગ્રી વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી, જેથી કિડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. મિતેશ દેવરિયાને સાથે રાખી અહીં કાર્યવાહી કરવામાં આવી હતી.આ દુકાને સરકારી તબીબ સાથે પોલીસ પહોંચતાં દુકાનમાં બેઠેલા શખ્સે પોતાનું નામ ડો. તરુણ ઘનશ્યામ ભાનુશાળી તરીકે આપ્યું હતું અને પોતે મેઘપર બોરીચીની શિવધારા સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.આ શખ્સ પાસેથી ડિગ્રી કે પ્રમાણપત્ર માગવામાં આવતાં તે  આપી શક્યો ન હતો અને તેણે ધો. 9 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ દુકાનમાંથી જુદા જુદા દર્દ મટાડવાની જુદી જુદી દવા, જુદા જુદા ઇન્જેકશન, સ્ટેથોસ્કોપ, રકતચાપ માપવાનું મશીન, થર્મોમીટર વગેરે રૂા. 6,837નો મેડિકલને લગતો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ગઇકાલે રૂા. 800નો વેપાર કર્યો હતો. તે તથા તેનો મોબાઇલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer