કચ્છના ધોરીમાર્ગ રકતરંજિત : ત્રણ જણનાં મોત

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના વરસામેડીથી ભીમાસર જતા રોડ ઉપર ટ્રકે બાઇકને  હડફેડમાં લેતાં સાહિલ લતીફ ઓસમાણ સાબદિયા (ઉ.વ.19) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ મુંદરાના ભદ્રેશ્વરમાં પગપાળા જતાં મૂળ ઝારખંડના રંજીત સીબુ લાહા (ઉ.વ.26)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ યુવાને દમ તોડી દીધો હતો તેમજ ગાંધીધામ નજીક સ્મશાન પુલિયા પાસે એસ.ટી. બસની હડફેટે ચડતાં કામરાજ કટ્ટીમુતુ આદિદ્રવિડ (ઉ.વ.51) નામના આધેડે પોતાનો જીવ ખોયો હતો.વરસામેડીથી ભીમાસર રોડ પર ગણેશ મંદિરથી શ્રીરામ હોટેલ વચ્ચે ગત તા. 25/1ના જીવલેણ અકસ્માત સર્જાયો હતો. વરસામેડીની દિવ્યાબે સોસાયટીમાં રહેનારો સાહિલ સાબદિયા નામનો યુવાન બાઇક નંબર જી.જે. 12 ડી.ક્યુ.-7124વાળું લઇને જઇ?રહ્યો હતો. તે દરમ્યાન ધસમસતી આવતી ટ્રક નંબર જી.જે. 12 બી.વી.-4168એ બાઇકને હડફેટમાં લેતાં આ બાઇકચાલકને  ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને 108 મારફતે સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ટ્રકચાલક વિરુદ્ધ લતીફ ઓસમાણ સબદિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વધુ એક અકસ્માત ભદ્રેશ્વરમાં હિન્દુસ્તાન કંપની સામેના રોડ ઉપર બન્યો હતો. આ કંપનીમાં અંતરજાળના શૈલેશ બાબુ લાવડિયાનો ઠેકો ચાલે છે. ઝારખંડથી તેમના મજૂર આવ્યા હતા. આ બનાવના ફરિયાદી દાનકુમાર આનંદકુમાર સેન, રંજીત લાહા તથા અન્ય ત્રણ માણસો ગત તા. 25/1ના ઝારખંડથી અહીં કામ અર્થે આવતા હતા. શૈલેશ લાવડિયાના કહેવાથી  આ શ્રમિકો કંપનીની શ્રમિક વસાહતમાં રોકાયા હતા. રાત્રે આ શ્રમિકો કંપનીની કેન્ટીનમાં જમી આવ્યા બાદ પરત વસાહતમાં આવ્યા હતા.બાદમાં આ રંજીત જમવા ગયો હતો. તે માર્ગ ઉપર પગપાળા ચાલી રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ  યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અજાણ્યો વાહનચાલક અકસ્માત નોતરી નાસી ગયો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં  પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામ નજીક સ્મશાન પુલિયા પાસે બન્યો હતો. શહેરમાં રહેનારા કામરાજ આદિદ્રવિડ નામના આધેડ ગઇકાલે સવારે આ પુલિયા પાસેથી પગપાળા જઇ?રહ્યા હતા અને માર્ગ ઓળંગવા જતાં એસ.ટી. બસ નંબર જી.જે. 18, ઝેડ-2055ની હડફેટે ચડતાં આ શ્રમિક આધેડને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે આ આધેડને મૃત જાહેર કર્યા હતા. એસ.ટી. ચાલક વિરુદ્ધ હરીશકુમાર બાલાસુંદરમ આદિદ્રવિડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer