કમાગુના વાડીવિસ્તારમાં 2885 મીટર વીજ વાયર લાઇનમાંથી ચોરાયો

ભુજ, તા. 28 : તાલુકામાં કમાગુના અને વટાછડ વિસ્તાર ખાતે લગાવાયેલી ખેતીવાડી માટેની વિદ્યુત લાઇનને નિશાન બનાવતાં તસ્કરો તેમાંથી 2885 મીટર વાયર તફડાવી ગયા હતા.મખણા 66 કે.વી. સબ સ્ટેશન હેઠળની 11 કિલોવોટની આ ખેતીવાડી માટેની વિદ્યુત લાઇન વટાછડ અને કમાગુના તરફ નખાયેલી છે. જેને કોઇ તસ્કરોએ ગત તા. 26મીની રાત્રિ દરમ્યાન નિશાન બનાવી હતી. તેવું તંત્રના પ્રકાશકુમાર બાબુલાલ કોટવાલે ફરિયાદમાં લખાવ્યું હતું.  પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે કમાગુના વાડીવિસ્તાર ખાતે 20 થાંભલા ઉપર લગાવાયેલા 2565 મીટર એલ્યુમિનિયમ વાયર તથા વટાછડ વાડીવિસ્તારમાં ત્રણ થાંભલા ઉપર લગાડાયેલા 320 મીટર એલ્યુમિનિયમ વાયર લાઇનમાંથી કાપીને ચોરી જવાયા હતા.ચોરી જવાયેલા વાયરની કિંમત રૂા. 46 હજાર અંકારવામાં આવી છે.  બનાવ બાબતે માનકૂવા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ કાર્યકારી ઇન્સ્પેકટર વાય.પી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer