ગાંધીધામ પાલિકાની સામાન્ય સભાની વીડિયોગ્રાફી કરાવવા વિપક્ષી માગણી

ગાંધીધામ, તા. 28 : અહીંની નગરપાલિકાની સામાન્યસભા ગણતરીની મિનિટોમાં આટોપી લેવાતી હોવાથી આગામી સામાન્ય સભામાં વીડિયોગ્રાફી કરવા તથા જિલ્લા સમાહર્તાના એક પ્રતિનિધિને સભામાં હાજર રાખવા માંગ કરવામાં આવી હતી.નગરપાલિકાની સામાન્ય સભા માત્ર બેથી પાંચ મિનિટમાં આટોપી લેવામાં આવતી હોય છે. સત્તા પક્ષની બહુમતીના જોરે છેલ્લા  લાંબા સમયથી આ પ્રક્રિયા જ હાથ ધરવામાં આવતી હોય છે. જેના કારણે વિપક્ષી નગરસેવકોને  લોકશાહી દ્વારા આપવામાં આવેલા હક્કોથી વંચિત રાખવામાં આવે છે. કોઇ વિપક્ષી નગરસેવક પ્રશ્નો પૂછે છે પહેલાં જ આવી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવતી હોય છે.આગામી સામાન્ય સભા પણ આવી રીતે બે-પાંચ મિનિટમાં આટોપી ન લેવાય તે માટે  આગામી સામાન્ય સભામાં વીડિયોગ્રાફી કરવા વોર્ડ-12ના નગરસેવક અમિત ચાવડાએ માંગ કરી હતીઆ કાઉન્સીલરે જિલ્લા સમાહર્તાને પત્ર પાઠવી તેમના કોઇ પ્રતિનિધિને આ સભામાં હાજર રાખવાની માંગ પણ કરવામાં આવી હતી.સામાન્ય સભામાં કાયદા વિરુદ્ધ કે ગેરબંધારણીય કૃત્ય કરવામાં આવે તો સરકાર પાસે વીડિયોગ્રાપી થકી પુરાવા રહી શકે તેમજ લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન કરવામાં આવે. આ કાઉન્સિલરે પ્રાદેશિક કમિશનરને પણ પત્ર પાઠવી આ માંગ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer