ભોજાયના શિબિરમાં 42 ઓપરેશન
ભોજાય (તા. માંડવી), તા. 28 : ભોજાય હોસ્પિટલમાં મેગા મેડિકો-સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિ મહિને ત્રીરોગ શિબિર તથા જનરલ સર્જરી, હાડકાં રોગ, કાન-નાક-ગળાના રોગ, પ્લાસ્ટિક સર્જરી શિબિર પૈકી કોઇપણ એક શિબિર યોજાઇ હતી. ભોજાય સર્વોદય ટ્રસ્ટે જનરલ સર્જરી તથા ત્રીરોગ શિબિરનું આયોજન કર્યું હતું. બંને શિબિરોમાં કોરોના માર્ગદર્શિકાનો અમલ કરવામાં આવ્યો હતો. દર્દી સાથે માત્ર એક જ બરદાસીને આવવાની છૂટ હતી અને બંનેના પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બંને નેગેટિવ હોય તો જ દર્દીની તપાસ કરવામાં આવતી હતી અને દર્દીને ઓપરેશન માટે દાખલ કરવામાં આવતા હતા.જનરલ સર્જરી શિબિરમાં 35 દર્દીને ડિવાઇન લાઇફ હોસ્પિટલના જનરલ સર્જન ડો. નીતેશ મોદીએ તપાસ્યા હતા, જેમાંથી 15 દર્દીના ઓપરેશન ડો. મોદીએ કર્યા હતા. દર્દીઓને એનેસ્થેશિયા ડો. કેનિયાએ આપ્યા હતા.60 મહિલા દર્દીએ લાભ લીધો હતો જે પૈકી 27 દર્દીના ઓપરેશન ત્રીરોગ નિષ્ણાતો ડો. દર્શક મહેતા, ડો.કાલિંદી ગાંધી, ડો. ભક્તિ સોની, ડો. દિવ્યાંશી શાની, ડો. રાવજી સોરઠિયા, ડો. પૂજા, ડો. નકુમે કર્યા હતા. એનેસ્થેટિસ્ટની સેવા ડો. જયેશ રાઠોડે આપી હતી. શ્રોફ પરિવારે સહયોગ આપ્યો હતો. ચાર દર્દીનું હિમોગ્લોબીન 4.5, 6.4, 6.8 અને 7 જેટલું હતું જેમને માટે જરૂરી લોહી જીવનજ્યોત બ્લડબેંક અને મયૂર લેબોરેટરીએ પૂરું પાડયું હતું. રક્તદાતાઓને નવલસિંહ સોઢા, પીયૂષ સોમૈયાએ રક્તદાન માટે પ્રેરણા આપી હતી. હોસ્પિટલના તમામ સ્ટાફે કામગીરી કરી હતી.