સંક્રમણમાં એકધારા વધારાને બ્રેક : કચ્છમાં 206 કેસ

સંક્રમણમાં એકધારા વધારાને બ્રેક : કચ્છમાં 206 કેસ
ભુજ, તા. 21 : ગુરુવારે કચ્છમાં કોરોનાના એક દિવસમાં વિક્રમી એવા 346 કેસ નોંધાયા બાદ શુક્રવારે 140ના મોટા ઘટાડા સાથે નવા 206 કેસ નોંધાતાં મામૂલી રાહત મળી હતી. જો કે, નવા કેસનો આંકડો બેવડી સદીથી ઉપર રહેતાં સ્થિતિ હજુ થાળે પડી ન હોવાનું ચિત્ર પણ ઊપસીને સામે આવ્યું છે. કેસમાં ઘટાડાનો પ્રવાહ ક્ષણિક રહેવાના બદલે નિરંતર ચાલુ રહે તો કોરોના સંક્રમણ ઘણાખરા અંશે કાબૂમાં આવી શકે તેવો  મત જાણકારો દવારા વ્યક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુરુવારે એક જ દિવસમાં 1પ1ના વધારા સાથે અત્યાર સુધી ક્યારેય ન નોંધાયા હોય તેટલા કેસ એક જ દિવસમાં સત્તાવાર રીતે ચોપડે ચડયા હતા. કોરોનાના કેસમાં એકધારા વધારાને બ્રેક લાગી છે. 82 કેસ સાથે ભુજ શહેર તાલુકો મોખરે રહ્યા, તો ગાંધીધામ શહેરમાં 6પ સાથે નવા 69 કેસ નોંધાયા છે. આ બે વિસ્તારને બાદ કરતાં અન્ય તાલુકાઓમાં સંક્રમણ ઘટયું છે. રાપર અને લખપત તાલુકા કોરોના કેસ વિહોણા રહ્યા છે. રાજ્ય સરકારે જારી કરેલી નવી ગાઈડલાઈનમાં ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યૂ અમલી ન બનતાં અચરજ ફેલાયું છે.નવા 206 કેસ સામે 87 દર્દીઓ સાજા થયા છે. શહેરોમાં 137 અને ગામડાંમાં 69 કેસ નોંધાયા છે. શહેરોમાં 6પ કેસ સાથે ગાંધીધામ તો ગ્રામ્ય વિસ્તારમાં ભુજ 34 કેસ સાથે મોખરે રહ્યું છે. ભુજ અને ગાંધીધામમાં 141 તો માંડવી અને મુંદરામાં 13, નખત્રાણા અને અંજારમાં 11, ભચાઉમાં 6, અબડાસામાં નવો એક કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ વધીને 1223 થયા છે. ઓમિક્રોનના કેસ તો સ્થિર થઈ ગયા હોય તેમ વધુ એક દિવસ આ કેસનો આંકડો સાત પર અટકેલો રહ્યો હતો. નોંધનીય છે કે ગુરુવારે 346 કેસ નોંધાયા તેમાં ભુજ અને ગાંધીધામ ઉપરાંત મુંદરામાં પણ સંક્રમિતોના આંકમાં રીતસરનો ઉછાળો આવ્યો હતો. જિલ્લામાં ચાલતી રસીકરણની કામગીરી પર એક નજર કરીએ તો ભુજમાં 120પ8 સાથે જિલ્લામાં અત્યાર સુધી 30041 લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 18 વર્ષથી વધુના વયજૂથમાં 4604 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી 16.6પ લાખ લોકોએ રસીનો એક તો 14.પ4 લાખ લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. જાન્યુઆરી માસમાં અત્યાર સુધીના 21 દિવસના ગાળામાં કચ્છમાં 2314 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ નોંધાયેલા કેસનો આંકડો 1પ000ને પાર થયો છે. સામે સાડા તેર હજારથી વધુ દર્દીઓએ સાજા થઈ કોરોનાને મહાત આપી છે. જિલ્લામાં ભુજ અને ગાંધીધામ સંક્રમણના આંકમાં મોખરે છે, તે સિવાયના તાલુકાઓમાં કેસ વધ્યા બાદ હવે તેમાં રાહત જોવા મળી છે. શહેરી વિસ્તારમાં સંક્રમણની વકરેલી સ્થિતિ થોડી ચિંતાજનક છે પણ ગામડામાં કેસની સ્થિતિ થોડી કાબૂમાં આવતી દેખાઈ રહી છે. જે રીતે નવા કેસમાં ભુજ અને ગાંધીધામ મોખરે છે તેમ આજના થયેલા દર્દીઓના આંકમાં પણ ભુજ અને ગાંધીધામે અગ્ર હરોળનું સ્થાન જાળવી રાખ્યું છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer