કચ્છમાં છવાયો ધૂંધળો માહોલ: વેગીલો પવન ફૂંકાયો

કચ્છમાં છવાયો ધૂંધળો માહોલ: વેગીલો પવન ફૂંકાયો
ભુજ તા 21: કચ્છમાં સવારના સમયે સતત બીજા દિવસે છવાયેલા ઝાકળિયા માહોલ વચ્ચે દિવસભર તેજ ગતિએ પવન ફુંકાયો હતો. લઘુતમ પારો ઉંચકાઈને 19 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો સદંતર ગાયબ થઈ ગયો હતો. દિવસના ભાગે પંખા ફરાવવા પડે તેવો હુંફાળો માહોલ અનુભવાતાં વિષમ વાતાવરણની અનુભુતિ થઈ હતી.હવામાન વિભાગે રવિવાર સુધી કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસવાની આગાહી યથાવત રાખી એક દિવસ વિષમ વાતાવરણ રહયા બાદ લઘુતમ પારો 4થી 6 ડિગ્રી ગગડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ પાકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપરાંત ઉતર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલા સાયકલોનીક સર્કયુલેશનની અસર તળે રાજયના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ માહોલ પલટાયેલો રહેવા સાથે માવઠું વરસવાની સંભાવના દેખાડવામાં આવી છે.  કંડલા(એ)માં 32.2 ડિગ્રી મહતમ સામે 17.9 ડિગ્રી લઘુતમ, નલિયામાં 27.2 ડિગ્રી મહતમ સામે 19.6 ડિગ્રી લઘુતમ, ભુજમાં 30.3 ડિગ્રી મહતમ સામે 19.4 ડિગ્રી લઘુતમ, કંડલા પોર્ટમાં 29.6 ડિગ્રી મહતમ સામે 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જિલ્લાના તમામ કેન્દ્રોમાં સરેરાશ10થી 20 કિલોમિટરની ઝડપે પવન ફુંકાયો હતો. બપોરના સમયે પવનની ગતિ થોડી વધુ જોવા મળી હતી.હજુ રવિવાર સુધી માવઠાની આગાહીને જોતાં સ્થાનિક આપતિ વ્યવસ્થાપન વિભાગે માછીમારાને દરિયો ન ખેડવા સાથે ખેડુતોને આવશ્યક તકેદારીના પગલાં ભરવાની આપેલી સુચનાને જારી રાખી છે. એકાદ માસના ગાળામાં પાંચમી વખત તોળાયેલા માવઠાના સંકટના લીધે સર્વાધિક કફોડી હાલત જગતના તાત એવા ધરતીપુત્રોની થઈ છે. કોરોનાની સાથે તાવ શરદીના વાયરાએ પણ માથું ઉંચકયું છે ત્યારે જો કમોસમી વરસાદ વરસવા સાથે વાતાવરણ પલટો મારે તો તેની વિપરીત અસર જન સ્વાસ્થય પર પડી શકવાની ભિતીને નકારી શકાતી નથી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer