માનકૂવામાં ગૌવંશના પશુઓનું કતલખાનું ઝડપાયું

માનકૂવામાં ગૌવંશના પશુઓનું કતલખાનું ઝડપાયું
ભુજ, તા. 21 : તાલુકાના માનકુવા ગામે રખડતી-ભટકતી ગાયો અને ગૌવંશના પશુઓને પકડી લાવી તેમની કતલ કરી માંસની વેંચસાટનો ગેરકાયદે મામલો પોલીસે જિલ્લા સ્તરેથી કાર્યવાહી હાથ ધરીને પકડી પાડયો હતો. આ કિસ્સામાં સાધન-સામગ્રી અને વાહનો સાથે ભુજના ચાર ઇસમની ધરપકડ કરાઇ હતી. જયારે માનકુવાના રહેવાસી એવા અન્ય ચાર તહોમતદાર પોલીસના હાથમાં આવ્યા ન હતા. માનકુવા ગામે સદુરાઇ વિસ્તારમાં રહેતા અલીમામદ આરબ મોખાના ઘરની બાજુમાં બનાવાયેલી પતરાની ઓરડીમાં ગૌવંશના રખડતા પશુઓને પકડી લાવી તેમની કતલ કરાતી હોવાની બાતમીના આધારે પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખાએ આ દરોડો પાડયો હતો. જેમાં 280 કિલો ગૌવંશના પશુનું માંસ તથા સાધનસામગ્રી કબ્જે કરાયા હતા.પોલીસે આપેલી માહિતી અનુસાર કાર્યવાહીમાં ભુજના સિકંદર આરબ મોખા,  રહેમતઅલી મહેનુદીન અંસારી,  મોહમદવાજીદ મોહમદસલીમ અંસારી અને મોહમદફિરોઝ મોહમદનિઝામ અંસારીની ધરપકડ કરાઇ હતી. આ  સમયે અન્ય ચાર આરોપી માનકુવાના અલીમામદ આરબ મોખા, સુલતાન અલીમામદ મોખા, જાવેદ અલીમામદ મોખા અને હસીના અલીમામદ મોખા હાથમાં આવ્યા ન હતા. બનાવના સ્થળેથી 280 કિલો માંસનો જથ્થો, કતલ માટેના સાધનો, વજનકાંટો અને વજનીયા, ત્રણ બાઇક અને મોપેડ, એક કાર, ચાર મોબાઇલ ફોન વગેરે મળી રૂા. 1,60,800ની માલસામગ્રી કબ્જે કરાઇ હતી. તેવું પોલીસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તહોમતદારો પૈકીનો સિકંદર આરબ મોખા અને અલીમામદ આરબમોખા અગાઉ ગૌહત્યા અને દારૂ તથા ગૌહત્યા અને જુગારના કેસમાં પકડાયા છે. કાર્યકારી ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ અને સબ ઇન્સ્પેકટર આઇ.એચ.હિંગોરા સાથે એલ.સી.બી. સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા. આગળની તપાસ માનકુવા પોલીસને અપાઇ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer