ખારોઈમાં ચોબારીના યુવાનની હત્યા કરનાર આરોપી પોલીસ ગિરફ્તમાં

રાપર, તા. 21 : ભચાઉ તાલુકાના ખારોઈ ગામમાં ચોબારીના યુવાનની હત્યા નીપજાવનારા આરોપીને પોલીસે ત્રણ દિવસના વ્યાયામ બાદ ઝડપી પાડયો હતો. વાગડમાં બંદૂકના ભડાકે યુવાનની હત્યા નીપજાવાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત તા. 18ના ખારોઈ નર્મદા કેનાલના પુલ પાસે સવારના 11.30 વાગ્યાના અરસામાં હત્યાના આ બનાવને અંજામ આપ્યો હતો. આરોપી શામજી વસાભાઈ ઉર્ફે વસરામ વરચંદે માવજી ભૂરાભાઈ વરચંદની હત્યા નીપજાવી હતી. ભોગ બનનારને બાઈક ઉપરથી તમંચા વડે ગોળી મારી હતી. જીવ બચાવવા ભાગેલો યુવાન પડી ગયા બાદ તેના ઉપર ફરી ફાયરિંગ કર્યું હતું. હત્યા નીપજાવી આરોપી નાસી ગયો હતો. ભચાઉ પી.આઈ. આર.આર. વસાવાએ આરોપીને ઝડપી પાડવા જુદી જુદી ટીમ બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ગત મોડી રાત્રિના અમદાવાદ વિરમગામ હાઈવે ઉપરથી ઝડપી પાડયો હતો. આરોપીએ ત્રણ વર્ષ જૂની અદાવતમાં હત્યા નીપજાવી હોવાની કબૂલાત આપી હતી. હત્યામાં વપરાયેલો દેશી તમંચો કબ્જે કરવા, રિમાંડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં અરવિંદસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ ગોહિલ, સરતાણ કણોલ, અશોકજી ઠાકોર વિગેરે જોડાયા હતા.