મહિને 12 લાખનો ખર્ચ છતાં ભુજમાં ગટરની સમસ્યા તો ઠેરની ઠેર

મહિને 12 લાખનો ખર્ચ છતાં ભુજમાં ગટરની સમસ્યા તો ઠેરની ઠેર
ભુજ, તા. 21 : શહેર સુધરાઈ દ્વારા દર માસે 12 લાખના ખર્ચે અપાયેલા કોન્ટ્રાક્ટ છતાં દરરોજની લગભગ 80થી 100 ફરિયાદો તો માત્ર કચેરીમાં નોંધાય છે અને નગરસેવકો દ્વારા અપાતી સૂચનાઓ અલગ. ઉપરાંત જો કંપની દ્વારા નિયમિત લાઈન સફાઈ કરાતી હોય તો ગટર સમસ્યા હલ કેમ નથી થતી તેવા વેધક સવાલ  સાથે આ કોન્ટ્રાક્ટ રદ કરવા જાગૃત શહેરીજનો દ્વારા માંગ ઊઠી છે.સુધરાઈ દ્વારા ભુજમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગટર સમસ્યા હલ કરવા મુંબઈની એકોર્ડ વોટરટેક એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ને દર માસે 12 લાખના ખર્ચે કોન્ટ્રાકટ અપાયો છે. પરંતુ આ કંપની પણ નિષ્ફળ ગઈ હોય તેમ સુધરાઈ કચેરીએ દરરોજ લગભગ 80થી 100 જેટલી ફરિયાદો નોંધાઈ રહી છે. ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ લાઈનો ભરાવાનાં કારણે બેસી રહી છે. જો નિયમિત સફાઈ કરાતી હોય તો  ગટર સમસ્યા ઉકેલાતી કેમ નથી,  તેવો વેધક સવાલ જાગૃતોમાં ઊઠયો છે.આ ઉપરાંત વોર્ડ નં. બે અને ત્રણની સમસ્યા મુદ્દે સત્તાપક્ષના ત્રણ નગરસેવકોએ પણ સુધરાઈના મુખ્ય અધિકારીને લખિતમાં ગટર સમસ્યા મુદ્દે ફરિયાદ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. એક તરફ સંસ્થા દ્વારા દેશલસર તળાવમાંથી જળકુંભી વેલ કાઢી નવીનીકરણના પ્રયાસો કરાઈ રહ્યા છે પણ આ તળાવમાં શહેરના અનેક વિસ્તારોનાં ગટરનાં પાણી આવી રહ્યાં હોવાથી સંસ્થાની કામગીરી પર અસર પડી રહી છે. તળાવ સુધારણા માટે સતત જાગૃતિ દાખવનારા નગરસેવક કાસમ કુંભારે જણાવ્યું કે, જો ગટરનાં પાણી તળાવમાં આવતાં અટકાવાશે નહીં તો સંસ્થા કામ મૂકી જતી રહે તેવી શક્યતા છે અને માંડ માંડ તળાવ સુધારણાનું કામ ચાલુ છે તે બંધ થઈ જશે. ઉપરોક્ત સમસ્યા હલ કરવા નગરસેવકો દ્વારા વારંવાર સુધરાઈમાં રજૂઆત કરવા સાથે ઉપાયો પણ સૂચવાયાં છે, પરંતુ તેની અમલવારી થતી નથી. જેનાં કારણે દેશલસર તળાવ ઉપરાંત વોર્ડ નં. ત્રણના સલ્ફિયા મસ્જિદ પાસે, સોનાપુરી સ્મશાન નજીક, નોગોરી વાડીવિસ્તાર, આઝાદનગર, શિરવા મંડપ વિસ્તાર, મેમણ કોલોની, રામનગરી, ભૂતેશ્વર, શેખ ફળિયું, જૂની બકાલી કોલોની સહિત અનેક રહેણાક વિસ્તારોમાં ગટરનાં તળાવ ભરાઈ રહેતાં રોગચાળાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer