નિષ્ઠાભાવ થકી જ કઠિન યાત્રા સંભવ બને

નિષ્ઠાભાવ થકી જ કઠિન યાત્રા સંભવ બને
ભુજ, તા. 21 : મોરચબાણથી દેવભૂમિ બદ્રીનાથની કઠિન પદયાત્રાનો આજે સવારે પ્રારંભ કરતા કચ્છી આશ્રમ હરિદ્વારના સંત પૂજ્ય હરિદાસજી મહારાજે ભાવિકોને સંબોધતાં જણાવ્યું હતું કે, તપ વગર સૃષ્ટિનું નિર્માણ થતું નથી. આજે આ અનોખી પગપાળા યાત્રાના ફળ સ્વરૂપે તેમણે કચ્છની પાંચ પાંજરાપોળને ગૌસેવા અર્થે રૂા. 5.17 લાખનું દાન આપ્યું હતું. યાત્રા પ્રસ્થાન પૂર્વે મોરચબાણ ખાતે ખાસ કરીને મુંબઇ, જામનગર અને કચ્છમાંથી આવી પહોંચેલા ભાવિકોને યાત્રા અંગે શીખ આપતાં જણાવ્યું હતું કે, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, મહાપુરુષોના સહારે યાત્રાના માર્ગે નીકળી પડવું જોઇએ અને આવી યાત્રા પરસત્તા માટેની હોય છે. તેમણે આ યાત્રાને વ્યવહારિક  પ્રાપ્તિ માટેની યાત્રા ગણાવી કહ્યું કે, નિષ્ઠાભાવમાં જોડાયેલા હોય તો જ આવી કઠિન યાત્રાઓ સંભવ બને છે. પાંચ વર્ષ પહેલાં વિચાર આવ્યો હતો અને આ વિચાર થોડા સમય પહેલાં `કચ્છમિત્ર'ને આપેલી મુલાકાતમાં વહેતો કર્યો હતો.સંતો ક્યારેય સંકલ્પ કરતા નથી એટલે પદયાત્રાનો મારો સંકલ્પ નથી, માત્ર વિચાર અને એ વિચાર સાર્વજનિક થઇ જતાં તુરંતમાં જ આજની તારીખ પણ જાહેર કરી હતી, જે આજે સમય આવ્યો છે. છેક બદ્રીનાથે પહોંચવું છે. ભગવાન ભોળાનાથને માથું નમાવવા નીકળ્યો છું. 1800 કિલોમીટરની આ યાત્રા સંપન્ન કરતાં પાંચ મહિનાથી વધુ સમય લાગશે. કચ્છમાં નરા, ખાવડા થઇને સાંતલપુર નીકળીને રાજસ્થાન, હરિયાણા થઇને ઉત્તરાખંડ હરિદ્વારમાં એક સપ્તાહનો પડાવ હશે તેવી વિગતો તેમણે આપી હતી. સૌ ભાવિકોને પણ તપ કરવા અનુરોધ કર્યો હતો. આ યાત્રા તપ સમાન છે. જીવનમાં સાધુ-સંતો કે ગૃહસ્થીઓએ તપ કરવા જોઇએ. બ્રાહ્મણ, ગાય, સંતો, માતા-પિતાને હંમેશાં વંદન કરવા પણ અંતમાં અનુરોધ કર્યો હતો. યાત્રાના પ્રસ્થાન સ્વરૂપે હરિદાસજી મહારાજે કચ્છી આશ્રમ હરિદ્વાર તરફથી 1.11 લાખ વાલરામ પાંજરાપોળ રાતાતળાવ, 1.11 લાખ નારાયણ સરોવર, 1.11 લાખ ઇશ્વર આશ્રમ વાંઢાય, 1.11 લાખ રાપર ગૌશાળા, 51 હજાર પોલડિયા ગૌશાળા અને 11-11 હજાર નુંધાતડ તથા જખૌમાં ગૌસેવા અર્થે કુલ મળીને 5.17 લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું. હરિદ્વારથી આવેલા પંડિત કૈલાસ મહારાજે ધાર્મિક વિધિ સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તો કચ્છમિત્રના સિનિયર સબ એડિટર ગિરીશ જોષીએ નાળિયેર અર્પણ કરી તિલક કરીને વિદાય આપતાં પ્રવચનમાં આ યાત્રાને કચ્છની ઐતિહાસિક અને વિક્રમ સમાન ગણાવી હતી. મહારાજશ્રીને મહાપુરુષ ગણાવી ભાવિ પેઢી પણ આજની યાત્રાને અને આવા મહાપુરુષોને યાદ કરશે એમ કહ્યું હતું. યાત્રા શરૂ થતાં આવી પહોંચેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ કોટડા (મઢ) સુધી પદયાત્રામાં જોડાયા હતા. તેમણે મહારાજ યાત્રા પૂરી કરીને પરત મોરચબાણ આવશે ત્યાં સુધી મોરચબાણના રસ્તાના કામની મંજૂરી મળી જશે તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ તુલસીભાઇ દામા, દેશ મહાજનના પ્રમુખ દામજીભાઇ ભાનુશાલી, નવીનભાઇ?આઇયા, હિંમતભાઇ?દામા, કનૈયાલાલ ભાનુશાલી, ગોવિંદ ભાનુશાલી, રજનીકાંત જોશી, ખીમજીભાઈ ભાનુશાલી, પરેશ ભાનુશાલી, લખમશી ભાનુશાલી, જયેશ ભાનુશાલી વગેરે હાજર રહ્યા હતા. યાત્રા જ્યારે કોટડા (મઢ) પહોંચી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું. સરપંચ આદમભાઇ રાયમા, કાસમ પડૈયાર વગેરે જોડાયા હતા. માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું. પહેલો પડાવ પાનેલી પહોંચ્યો હતો. મહારાજ સાથે કનૈયાલાલ ભાનુશાલી, કૌશિક જગન્નાથ જોષી, જિજ્ઞેશ ટાંક, 94 વર્ષના હરિદ્વારના સંત સ્વર શાત્રી છેક સુધી જોડાવાના છે. યાત્રાના રૂટ વગેરે અંગે ટ્રસ્ટી તુલસીભાઇ દામા મો.નં. 93200 31511 પર સંપર્ક સાધવા જણાવાયું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer