આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સ્પર્ધામાં માંડવીના ચિત્રકારે રંગ જમાવ્યો

આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સ્પર્ધામાં માંડવીના ચિત્રકારે રંગ જમાવ્યો
માંડવી, તા.20(દેવેન્દ્ર વ્યાસ દ્વારા) : તાજેતરમાં ટેલેંટિલા ફાઉન્ડેશન હિસાર દ્વારા આયોજિત `ઓનલાઈન ઈન્ટરનેશનલ આર્ટ એકઝીબિશન એન્ડ કોમ્પીટેશન'માં  અહીંના ચિત્ર-સંગીત કલાસાધક રફીક ઈસ્માઈલ મીરે પેઈન્ટિંગ વિભાગમાં પ્રથમ પાંચ પ્રતિભાઓમાં સ્થાન અંકિત કર્યું હતું. 18 દિવસીય આયોજનમાં ભારત સહિત 11 દેશોમાંથી 250 કરતાં વધારે કલાકારોએ ઉત્સાહ બતાવ્યો હતો. પાંચ ધોરણ સુધી ભણેલા રફીક મીરે શાળાની ભીંતો ઉપર કોલસા વડે અક્ષરોને મરોડ આપવાની સાથે ચિત્રો ઉપસાવતાં હાથ અજમાવી કલાસાધનામાં પગરણ પાડયા હતા.જૂની રંગભૂમિમાં ઉચ્ચકક્ષાના તબલાવાદક તરીકે લાડકા મનાયેલા પિતા ઈસ્માઈલ ઉમર સંજાતના લોહીના સંસ્કારે ગળથૂથમાં કલાસાધનાનું બીજરોપણ કર્યું એવા રફીક મીરે કિશોરવસ્થામાં શાળાની ભીંતે કોલસાના સહારે મરોડદાર લખાણો, ચિત્રોની ભાતનો આરંભ કરેલો. ચાર દાયકાઓની કલાસાધના યાત્રા દરમ્યાન અનેક તડકી છાંયડી વેઠવા છતાં સુષુપ્ત કલાને નિખાર આપવાનું જારી રાખેલું. પાસેના ગુંદિયાળીથી ભણવા અને રોજી રળવાના હેતુથી પરિવાર અહીં ઠરીઠામ થયા પછી સાઈન બોર્ડ, વાહનોની નંબર પ્લેટ સહિત આર્ટ ક્ષેત્રે નસીબ અજમાવતાં પ્રાકૃતિક દ્રશ્યો, કચ્છની સંસ્કૃતિ, સભ્યતાને પીંછી ઉપર ઝીંલતા રહ્યા. રફીક મીરે આજીવિકા અર્થે વહાણ મારફતે દરિયો પણ ખેડી જોયો. કલાના જીવે પરદેશમાં જંપવા દીધું નહીં. વાહનોની નંબર પ્લેટ સમય જતાં કોમ્યુટરરાઈઝ થતાં કોમ્પ્યુટર વસાવીને આગવી રીતે આકર્ષક ઓપ આપવા હાથ અજમાવ્યો. સમય સાથે કદમે તાલ મેળવવામાં થાપ ખાનાર પાછો પડે એમ સ્વીકારી દ્રષ્ટિ બદલી સૃષ્ટિ નહીં. ત્રણેક વર્ષથી રાજકોટમાં વસનાર રફીક મીર જીવંત દ્રશ્યોનું પેન્ટિંગ ઉપર ચિત્રાંકન કરવામાં માહીર મનાય છે. અહીંની ચોક્કસ હોટેલ, વિરામ સ્થળ, ધંધાસ્થાને રફીક મીરના ચિત્રો પર મોહિત બનેલા પરદેશી પ્રવાસીઓમાંથી ઓર્ડરો આવવા માંડયાં. કેનવાસ ઉપર પેન્ટીંગ હુબહુ નિખારમાં તેઓ અદકેરા કહેવાય છે. તાજેતરમાં `રંગાકાશ' પ્રતિયોગ્યતા અને પ્રદર્શનમાં પેન્ટિંગ, સ્કેચિંગ, ક્રાફટ, મિકસ મિડિયા, ફોટોગ્રાફી, આર્ટ ફ્રોમ વેસ્ટ, સ્કલ્પચર જેવા સાત વિભાગો પૈકી પેન્ટિંગ વિભાગમાં તેઓ પ્રથમ પાંચમાં ઝળકતાં શિલ્ડ-મેડલ વડે બહુમાન મેળવ્યું હતું. `જેસલ તોરલ' ફેમ ઈસ્માઈલ વાલેરાના તેઓ જમાઈ થાય. લોકભારતી (સણોસરા) જેવી શિક્ષણ સંસ્થાઓમાં તેમનું `મડવર્ક' મોજૂદ છે. રફીક મીરના પુત્રો સાહિલ ઓરકેસ્ટ્રામાં જ્યારે સાથિલ એ.આર. રહેમાન સાથેની સંલગ્ન ટીમના કીર્તિ સાગઠિયા ગ્રુપમાં ઓલરાઉન્ડર આર્ટિસ્ટ છે. પ્રતિ યોગ્યતામાં જ્યૂરીની ભૂમિકા અબ્દોલ રઝા (ઈરાન) અનુરાધા મલિક (બેગલુરુ), કે.કે. ગાંધી (જમ્મુ-કાશ્મીર), મનોજ છાબડા (હરિયાણા) અને મૃણાક દત્ત (ગુજરાત)એ અદા કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer