વેપારીઓ માટેની ભુજ કોમ. બેંક કાલથી પોતીકાં સંકુલમાં કાર્યરત

વેપારીઓ માટેની ભુજ કોમ. બેંક કાલથી પોતીકાં સંકુલમાં કાર્યરત
ભુજ, તા. 21 : વેપારીઓ માટે સ્થપાયેલી અત્રેની 48 વર્ષ જૂની અને 11 હજારથી વધુ સભાસદ ધરાવતી ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક આગામી તા. 23/1 રવિવારે પોતાના સ્વ માલિકીનાં સંકુલમાં સ્થળાંતરીત થઇ કાર્યરત થશે. બેંકનું પોતીકાં મકાનનું સ્વપ્ન સૌના સહિયારા પ્રયાસોથી લાંબા સમય બાદ સાકાર થયું છે. વ્યાપારી આલમમાં ભુજ કોમ. બેંક 1973થી બેંકિંગ ક્ષેત્રે અગ્રેસર છે, જેનો સહકારના મૂળ મંત્ર મુજબ સમાજના આર્થિક રીતે વંચિત નબળા વર્ગને ધંધાર્થે ધિરાણ આપી પગભર કરવાનો છે. મુખ્ય કચેરી ભુજ સ્ટેશન રોડ પર છેલ્લા ઘણા વરસોથી ભાડૂઆત તરીકે કાર્યરત હતી. જેને અનુલક્ષીને વખતો વખત બેંકના સભાસદો, ગ્રાહક મિત્રો અને શુભેચ્છકો તરફથી એવી રજૂઆત કરવામાં આવતી રહેતી કે, વરસો જૂની આપણી બેંકની હેડ ઓફિસ માટે સ્વમાલિકીનું મકાન હોવું જરૂરી છે, તે માટે બેંકને લાયક સ્થળ માટે બેંક વતી અનેક પ્રયાસો કરાયા હતા, પરંતુ સફળ થઇ શક્યા નહીં. બાદ સૌના પ્રયત્નો અને હકારાત્મક અભિગમ થકી બેંકની હેડ ઓફિસ માટે ખૂબ જ નજીક લાયક સ્થળ મળી જતાં બેંક દ્વારા ખરીદી લેવામાં આવતાં વરસો બાદ સૌની ઇચ્છા ફળીભૂત થતાં સપનું સાકાર થયું છે. બેંકની હેડ ઓફિસ માટે નવું સ્થળ સંતોષ ભવન, ન્યુ સ્ટેશન રોડ, ભુજ છે. નવાં સ્થળે તા. 24/1થી બેંકની વડી કચેરીનું સ્થળાંતર કરવામાં આવશે તે સાથે જ બેંકની તમામ પ્રકારની વહીવટી કામગીરી શરૂ?કરવામાં આવશે. આ અવસરે તા. 23/1 રવિવારે નવા સ્થળે સ્થળાંતરના અનુસંધાને સવારના 10 કલાકથી 1.30 કલાક સુધી બેંક દ્વારા સમારોહ યોજાશે. આયોજનની તૈયારીના ભાગરૂપે બેંકના ચેરમેન  કલ્પેશભાઇ?આર. ઠક્કર, એમ.ડી. ધીરેનભાઇ બી. ઠક્કર, પૂર્વ ચેરમેન હિતેષભાઇ સી. ઠક્કર અને જનરલ મેનેજર ધીરેનભાઇ એસ. મજેઠિયા વ્યવસ્થા સંભાળી રહ્યા છે એવું બેંકના એમ.ડી. ધીરેનભાઇ બી. ઠક્કરની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer