પ્રોટીસનો શ્રેણીવિજય: ભારતની 7 વિકેટે હાર

પર્લ, તા. 21 : ભારતની સામાન્ય બોલિંગ-ફિલ્ડિંગનો ભરપૂર ફાયદો ઉઠાવીને દ. આફ્રિકાએ બીજી વન-ડેમાં 7 વિકેટે આસાન વિજય હાંસલ કરીને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી ગજવે કરી લીધી હતી. 288 રનનો વિજય લક્ષ્યાંક દ. આફ્રિકાએ 11 દડા બાકી રાખીને 48.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટેસ્ટ શ્રેણી 1-2થી ગુમાવનાર ટીમ ઇન્ડિયાએ હવે વન-ડે શ્રેણી પણ ગુમાવી છે. બન્ને ટીમ વચ્ચે ત્રીજી  મેચ રવિવારે કેપટાઉનમાં રમાશે. 108 દડામાં શાનદાર 91 રન કરનાર આફ્રિકી બેટર યાનેમન મલાન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. ભારત તરફથી પંતે 8પ, કપ્તાન રાહુલે પપ અને ઠાકુરે અણનમ 40 રન કર્યા હતા. આથી ભારતે 6 વિકેટે 287 રન બનાવ્યા હતા. જો કે બોલરો આ સ્કોરનો બચાવ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા.આફ્રિકાની શરૂઆત જોરદાર રહી હતી. ડિ'કોક અને મલાન વચ્ચે પહેલી વિકેટમાં 132 દડામાં 132 રનની ભાગીદારી થઇ હતી. આ બન્નેએ આફ્રિકાની જીતનો પાયો નાખ્યો હતો. ડિ'કોક 66 દડામાં 7 ચોગ્ગા-3 છગ્ગાથી 78 રને ઠાકુરના દડામાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આ પછી કપ્તાન બાવુમાએ મલાનના સાથમાં બીજી વિકેટમાં 76 દડામાં 80 રન કરીને આફ્રિકાની જીતની રાહ નિશ્ચિત કરી હતી. બાવુમા 3પ રને આઉટ થયો હતો. જ્યારે મલાન 9 રને સદી ચૂકી ગયો હતો. તેને બુમરાહે બોલ્ડ કર્યો હતો. મલાને 108 દડામાં 8 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 91 રનની ઇનિંગ્સ રમી હતી. જયારે ડુસાન-માર્કરમ 37-37 રને નોટઆઉટ રહ્યા હતા અને બન્ને વચ્ચે ચોથી વિકેટમાં 74 રનની અતૂટ ભાગીદારી થઇ હતી. ભારત તરફથી બુમરાહ, ઠાકુર, ચહલને 1-1 વિકેટ મળી હતી.ભારત ઇનિંગ્સ : અગાઉ ટોસ જીતીને બેટિંગ પસંદ કરનાર ભારતીય ટીમે પ0 ઓવરમાં 6 વિકેટે 287 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી યુવા વિકેટકીપર-બેટસમેન ઋષભ પંતે 8પ, કપ્તાન કેએલ રાહુલે પપ અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી તેની 4પ0મી ઈન્ટરનેશનલ મેચમાં શૂન્યમાં આઉટ થયો હતો. આફ્રિકી સ્પિનર શમ્સીએ બે વિકેટ લીધી હતી.ભારતની શરૂઆત ઠીકઠાક રહી હતી. શિખર ધવન અને  રાહુલ વચ્ચે પહેલી વિકેટમાં 70 દડામાં 63 રનની ભાગીદારી થઇ હતી. ધવન 29 રને આઉટ થયો હતો. આ પછી પૂર્વ સુકાની કોહલી આફ્રિકી સ્પિનર કેશવ મહારાજની જાળમાં ફસાઇને ખાતું ખોલાવ્યા વિના પાછો ફર્યો હતો. 64 રને બે વિકેટ પડયા બાદ કપ્તાન રાહુલ અને યુવા ઋષભે મોરચો સંભાળીને ત્રીજી વિકેટમાં 111 દડામાં 11પ રનની ભાગીદારી કરી હતી અને ભારતની ઇનિંગને સ્થિરતા બક્ષી હતી. રાહુલ બે જીવતદાન સાથે 79 રનમાં 4 ચોગ્ગાથી પપ રને અને પંત 71 દડામાં 10 ચોગ્ગા-2 છગ્ગાથી આકર્ષક 8પ રને આઉટ થયા હતા. રન રફતાર તેજ કરવાના ચક્કરમાં પંત સદીથી દૂર રહ્યો હતો. બાદમાં શ્રેયસ અય્યર (11) અને વૈંકટેશ અય્યર (22)ની વિકેટ ભારતે ગુમાવી હતી. જો કે ફરી એકવાર ઠાકુર ટીમની વહારે આવ્યો હતો અને 38 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી અણનમ 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. અશ્વિને તેનો બખૂબી સાથ નિભાવી સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં મહત્ત્વના 48 રનનો ઉમેરો કર્યો હતો. અશ્વિન 24 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 2પ રને નોટઆઉટ રહ્યો હતો. આથી ભારતના 6 વિકેટે 287 રન બન્યા હતા. આફ્રિકી બોલરોએ આજે 17 વાઇડ બોલ ફેંકયા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer