કચ્છની જેલોમાં સ્ટાફઘટનો પ્રશ્ન મુશ્કેલી સર્જી શકે

વસંત અજાણી દ્વારા - પાલારા (તા. ભુજ), તા. 21 : તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટર માર્ગે પ્રવાસમાં પંજાબ પોલીસ દ્વારા સુરક્ષામાં ચૂકની ઘટના આખાય દેશમાં ચકચાર મચી છે. પડોશી દુશ્મન દેશ પાકિસ્તાનની સરહદથી 15 કિલોમીટરના અંતરે બનેલી ઘટનાને દેશનું ગૃહખાતું અતિ ગંભીરતા લઇને જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની પણ શરૂઆત કરી દીધી છે ત્યારે સરહદી વિસ્તાર કચ્છમાં પણ ખાસ જેલ પાલારા અને જિલ્લા જેલ ગળપાદરમાં તાજેતરમાં બનેલી ગંભીર ઘટનાથી સલામતી અને સુરક્ષાના પ્રશ્નો તો ઊભા થયા છે પણ ઊભા થયેલા પ્રશ્નોમાં પણ મૂળભૂત રીતે ઉપલા તંત્રનો વાંક દેખાઇ રહ્યો છે તે વધુ ગંભીર બાબત છે. રીઢા ગુનેગારોને સાચવવાની જવાબદારીમાં વર્ગીકૃત અને ખાસ દરજ્જામાં પોરબંદર જેલની સાથે કચ્છની 56 એકર જેટલા વિશાળ?ભૂપટમાં પથરાયેલી અને ધરતીકંપ પછી  સન 2009માં ભુજની ભાગોળે આવેલા પાલારા સીમમાં ખુલ્લી મુકાયેલી જેલની  પાંચસોથી વધુ કેદી સમાવવાની ક્ષમતા ધરાવે છે. દશેક બેરેકની સાથે હાઇ સિક્યુરિટી બેરેક અને મહિલા બેરેકવાળી અલગ બેરેકની વ્યવસ્થાવાળી જેલમાં અત્યારે 300થી 350ની વચ્ચે કાચા-પાક પુરુષ સાથે મહિલા બંદીવાનો ગુનાહિત પ્રવૃત્તિ થકી સજા ભોગવી રહ્યા છે ત્યારે આ સરહદી વિસ્તારમાં અને દુશ્મન દેશ?પાકિસ્તાનથી 150 કિ.મી. દૂર આવેલી પાલારા જેલમાં સીમ સાથે બે મોબાઇલ ફોન દર મહિને અમદાવાદ મુખ્યમથકથી આવતી ખાસ ચેકિંગ ટીમે જેલના શૌચાલય અને બેરેકની બાજુમાં ખુલ્લી જમીન પર બિનવારસુ ઝડપ્યાની અતિગંભીર ઘટનાથી જેલની સલામતી અને સુરક્ષા સામે અનેક પ્રશ્નો સામે આવ્યા છે. પાલારા જેલમાં મોબાઇલ ફોન-બે મળ્યાના કિસ્સાની સાથે સાથે ગળપાદર જેલ અને અગાઉ પાલારા જેલમાં પણ બે રીઢા ગુનેગારોનો સરક્ષા કર્મચારી પર હુમલાની ઘટના અતિ ગંભીર છે. આવી ઘટના કેમ બને છે?ના પ્રશ્ન સામે ઉત્તરમાં જેલમાં સ્ટાફ?ઓછો એટલે કે મહેકમ કરતાં 50થી 60 ટકા સ્ટાફઘટના કારણે બનતું હોવાનું જાણવા મળ્યું છે. વર્તમાનમાં સરકારના લગભગ વિભાગોમાં મહેકમ ઓછો હોવાના સમાચાર અવારનવાર છાપે ચડતા હોય છે પણ જ્યાં સુરક્ષાનો સવાલ અને એમાંય સરહદી વિસ્તારમાં સ્ટાફ ઘટના કારણે બનતી ઘટના રાષ્ટ્રની સુરક્ષામાં પણ મહત્ત્વની ચૂકનો મુદ્દો બની શકે છે. ગુજરાતની લગભગ જેલોમાં મોબાઇલ પકડાવાના કિસ્સા સામે આવે છે પરંતુ દુશ્મન દેશ પાકિસ્તાનના કેદીઓ જે જેલમાં બંધ હોય ત્યાં આવા બનાવો ક્યારેક મોટી મુશ્કેલી સર્જી શકે તેમ છે.ગુજરાતની વાત કરીએ તો ચાર સેન્ટ્રલ જેલો જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ?કરાયા પછી મહત્ત્વની અને ખાસ જેલોને દરજ્જો મળ્યો છે તે માત્ર બે જ જેલ છે, એક સૌરાષ્ટ્રની પોરબંદર અને બીજી કચ્છની પાલારા-ભુજ છે. આ બંને જેલમાં રાજ્યના અતિગંભીર ગુનામાં પકડાયેલા શખ્સોને રાખવામાં આવે છે એમાંય 56 એકરના મોટા પટ ઉપર પથરાયેલી જેલ હાઇ સિક્યુરિટી ઝોનમાં આવે છે.કચ્છમાં અગાઉ એકમાત્ર પાલારા જેલ હતી ત્યારે ઓવર ક્રાઉન્ડીંગનો પ્રશ્ન પણ સતાવતો હતો, પણ રાજ્ય સરકારે આ સમસ્યાના નિવારણ માટે પૂર્વ કચ્છમાં જિલ્લા જેલની માન્યતા સાથે ગળપાદર (ગાંધીધામ)માં બારેક એકર જમીન ઉપર નવા બાંધકામ સાથે લગભગ ત્રણસો જેટલા સમાવિષ્ટ કેદીઓની જેલનું નિર્માણ કર્યા પછી પાલારા જેલમાં ક્ષમતા કરતાં વધારે (ઓવર ક્રાઉન્ડીંગ)નો પ્રશ્ન હલ થયો પણ અત્યારે ગળપાદર જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદીઓ બંધ?છે અને એકબાજુ ઓછો સ્ટાફ અને બીજીબાજુ ક્ષમતા કરતાં વધારે કેદીઓની સુરક્ષા જેવા કારણોસર જેલમાં અવારનવાર અઘટિત ઘટના ઘટતી હોય છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતની તમામ જેલોમાં જેલ સુધારણા અને કેદી કલ્યાણની પ્રવૃત્તિઓનો પ્રારંભ પછી સામાજિક-ધાર્મિક, રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના સહકારથી અવારનવાર અને વાર-તહેવારે કાર્યક્રમોના આયોજન જેલોમાં થતા હોય છે અને એ આયોજનનો હેતુ કોઇ સંજોગોને આધિન વ્યક્તિ કરેલી કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિ બાદ સજા ભોગવ્યા પછી ફરી તે જેલમાંથી છૂટી પુન: સામાજિક વ્યવહારમાં પોતાનું અને પરિવારનું ખાસ ધ્યાન રાખીને પુન: જીવન જીવે એ માટેનો હતો. પરંતુ ઘણી વખત આવા કાર્યક્રમનો લાભ જેલવાસ ભોગવી રહેલા રીઢા ગુનેગાર લઇને તેનો દુરુપયોગ પણ કરી શકે છે. બીજી એક બાબત એ પણ ઉલ્લેખનીય છે કે, પાલારા જેલ ખુલ્લી જમીન પર આવેલી હોવાથી અને જમીન પણ વિશાળ છે ત્યારે કાચો પટ અને ખેતીવાડી પણ પરિસરમાં થતી હોવાથી મોબાઇલ જેવી બીજી પણ?પ્રતિબંધ વસ્તુઓ જમીનમાં દાટી શકાય તેમ હોવાથી પણ?આવી ઘટના ઘટી શકે છે.પશ્ચિમ કચ્છમાં પાલારા જેલ અને તેના તાબા હેઠળ નખત્રાણા, નલિયા, માંડવી અને મુંદરામાં સબ જેલ આવેલી છે જ્યારે પૂર્વ કચ્છમાં ગળપાદર (ગાંધીધામ)?જિલ્લા જેલના તાબામાં અંજાર, ભચાઉ અને રાપર સબ જેલનો સમાવેશ?થયો છે એટલે બંને જેલમાં સ્ટાફ ઘટના કારણે તેની અસર સબ જેલ પર પણ પડતી હોય છે.એક સમય જેલ શબ્દ સાંભળતાંની સાથે ગુનેગારના પસીના છૂટી જતા હતા ત્યાં સરકાર દ્વારા જેલમાં મળતી સુવિધાઓના કારણે પણ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓનો ગ્રાફ ઊંચો આવતો હોવાનું પણ લાગી રહ્યું છે. માનવ પંચના નિયમોનું પણ અસામાજિક તત્ત્વો લાભ લેતા હોય છે. જેલની અંદર ગંભીર બનેલી ઘટનામાં સામેલ દોષિતોને આકરામાં આકરી સજા થાય તો જ બનાવો અટકી શકે તેમ છે.આમ તો જેલ સત્તાવાળાઓ સાથે કચ્છ કલેક્ટરથી લઇને પોલીસવડા, ડિસ્ટ્રીક્ટ જજ વિગેરેની એક કમિટિ બે-ત્રણ મહિને મળતી હોય છે ત્યારે આ સ્ટાફ ઘટ પ્રશ્નના મામલાનો નિવારણ કરવો જોઇએ. જેલ સુપરિન્ટેન્ડેન્ટ, સિનિયર જેલર, જુનિયર જેલર, સુબેદાર, હવાલદાર, જેલગાર્ડ, સિપાહીની સાથે પાકા કામના કેદીઓ વોર્ડન અને વોચમેન તરીકે ફરજ બજાવતા હોય છે ત્યારે સમગ્ર સ્ટાફની ચોક્કસ જવાબદારી સોંપીને જવાબદારી ફિક્સ કર્યા પછી અઘટિત ઘટનામાં તેની સામે સખત પગલાં લઇ?શકાય તેવા બનાવો બનતામાં બ્રેક લાગી શકે.એક બાબત એ પણ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા જેલમાં બે-અઢી વર્ષ પહેલાં મોબાઇલ પકડાયાની ઘટના બની હતી અને જે તે વખતે સરકાર દ્વારા સીટની રચના કરીને એ કેસની ઊંડાણથી તપાસ પછી જવાબદાર સ્ટાફ કર્મચારી અને કેદીઓને ફરજ મોકૂફથી લઇને આકરી સજા કરવામાં આવી હતી. જેલને જેલ તરીકે રાખવી જોઇએ. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer