દૈનિક 100 કેસના માપદંડે ભુજ-ગાંધીધામને રાત્રિ કર્ફ્યૂમાંથી બચાવ્યાં

ભુજ તા 21: રાજયની સાથે કચ્છમાં કોરોના કેસ તેની પીક પર પહોંચ્યા બાદ તેમાં સતત ડરામણો ગણી શકાય તેવો ઉછાળો આવી રહયો છે. રાજયમાં વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ રાજય સરકારે જારી કરેલી નવી માર્ગદર્શિકામાં આઠ મહાનગરો અને અગાઉ સમાવાયેલા 1 ઉપરાંત વધારાના 17 શહેરમાં રાત્રી કર્ફયુ લાદી દીધો છે. કચ્છમાં પણ ભુજ અને ગાંધીધામમાં નવા કેસનો આંક ચિંતાજનક રીત ઉંચકાઈ રહયો હોવા છતાં રાત્રી કર્ફયુ સહિતના કોઈ નિયંત્રણ અમલી ન બનાવાતાં ભારે અચરજ ફેલાયું છે. જોકે સરકાર દ્વારા જે માપદંડ નિયત કર્યો છે તેનાથી કચ્છના આ બે શહેરો જરા છેટે રહેતાં રાત્રી કર્ફયુમાંથી બચી ગયા છે પણ જો જરા સરખીય બેદરકારી દેખાડશું તો કર્ફયુ જાહેર કરવા માટેના માપદંડમાં સમાવિષ્ટ થતાં ભુજ અને ગાંધીધામને જરાય વાર  નહિ લાગે. રાજય સરકારે નિર્ધારીત કરાયેલા માપદંડ અનુસાર જે શહેરમાં દૈનિક 100થી વધુ કેસ નોંધાતા હોય કે સતત નોંધાતા હોય ત્યાં વધતા પોઝીટીવીટી રેટને ધ્યાને લઈ રાત્રી કર્ફયુ સહિતના નિયંત્રણો અમલમાં મુકયા છે. ભુજ અને ગાંધીધામની વાત કરીએ આ બન્ને શહેર અને તાલુકા વિસ્તારમાં વર્તમાનમાં ચાલતી ત્રીજી લહેરમાં સર્વાધિક અનુક્રમે 94 અને 92 કેસ નોંધાયા છે. નિષ્ણાતોએ આ માસના અંત સુધી કેસમાં ઉછાળો આવવાની શકયતા દેખાડી છે ત્યારે કચ્છના બે શહેરો એવા પડાવ પર ઊભા છે કે જો જરા સરખીય ગફલત દેખાડવામાં આવશે તો હવે જારી થનારી ગાઈડલાઈનમાં ભુજ અને ગાંધીધામમાં પણ રાત્રી કર્ફયુ અમલી બની જશે તેમ કહેવું વધુ પડતું લાગતું નથી.બીજી લહેર સમયે કચ્છમાં રાત્રી કર્ફયુ અને આંશીક લોકડાઉન લાદવા છતાં સંક્રમણ બેકાબુ રહયું હતું. બીજી તરફ ત્રીજી લહેરમાં જે ગતિએ કોરોનાના કેસ વધ્યા છે તેના પર અંકુશ લાદવો હશે તો નિયંત્રણો લાદવા સિવાય છુટકો નથી તેવો તર્ક કેટલાક નિષ્ણાતો દ્વારા લગાવવામાં આવ્યો છે. કેસમાં અધધ વધારા છતાં માસ્ક પહેરવાની બાબત હોય કે પછી લગ્ન પ્રસંગો કે સામાજીક મેળાવડામાં મંજુરીથી વધુ લોકોની હાજરીની વાત હોય સર્વાધિક નિયમ ભંગ પણ આ બે શહેરો અને તેના ગ્રામ્ય વિસ્તારમાં વધુ થઈ રહયો છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer