વરસામેડીમાં ચૂંટણી સહિતના મુદ્દે બે પક્ષ વચ્ચે થયેલી મારામારી

ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના વરસામેડી શાંતિધામ-ટુ સોસાયટીમાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં બંને પક્ષોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વરસામેડી શાંતિધામ સોસાયટીમાં રહેતા સોનાબેન ભરત ભાનુશાલીએ જગા પચાણ રબારી, દેવેન્દ્રસિંહ રામસંગજી જાડેજા, શક્તિસિંહ કનુભા જાડેજા અને બન્ટી ઉદયવીર પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ગઈકાલે રાત્રે આ ફરિયાદી તેમની દીકરી ક્રિયા તથા જમાઈ સંજય પંડિત તેમના ઘરના દરવાજા પાસે બેઠા હતા ત્યારે બન્ટી પ્રજાપતિએ આવી તમે હારી ગયા છો અમે તમારી સામે જીતી ગયા છીએ તેમ કહેતા ફરિયાદીએ હવે ચૂંટણી પતી ગઈ છે હવે તારે શું કરવું છે તેવું કહેતા આ શખ્સે ગાળાગાળી કરી સંજય પંડિત સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં શક્તિસિંહ, દેવેન્દ્રસિંહ અને જગા રબારી ત્યાં આવી તેમણે પણ ઝપાઝપી કરી હતી. બાદમાં દેવેન્દ્રસિંહે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેવું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં  જણાવાયું હતું. સામા પક્ષે લલિત ઉદયવીરસિંહ પ્રજાપતિએ સંજય પંડિત, ભરત દામાણી, સોનાબેન દામાણી, ઉમાબેન દામાણી અને દિગ્પાલસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી આ યુવાન પોતાના મિત્ર અશ્વિન ગોસ્વામી સાથે વાત કરતો હતો ત્યારે સંજય પંડિત, ભરત દામાણી ત્યાં આવી તું અમારી સામે આંખ કાઢશ તેમ કહી ગાળાગાળી કરી હતી અને સંજયે ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. પછીથી અન્ય આરોપીઓ આવી જઈ આ ફરિયાદીને માર માર્યો હતો અને જતાં જતાં મારી નાખવાની ધમકી આરોપીઓએ આપી હતી. બાદમાં ફરિયાદી પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે સંજય, ભરત, દિગ્પાલસિંહ આવી ગાળાગાળી કરી ધમકી આપી હતી. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. આ બંને પક્ષોની ફરિયાદ પોલીસે નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer