કચ્છમાં અકસ્માત-આપઘાતથી ચાર જીવન પૂર્ણ

ગાંધીધામ, તા. 21 : ભુજના માધાપરમાં દોઢ મહિના અગાઉ પ્રભુતામાં પગલાં પાડનારી સંગીતાબેન લધા કોળી (ઉ.વ.18) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ અંજારમાં  લખીબેન કાનજી ગઢવી (ઉ.વ.44)એ એસિડ ગટગટાવી લઇ છેલ્લા શ્વાસ લીધા હતા તેમજ અંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર સિનુગ્રા પુલિયા પર ટ્રક ટ્રેઇલર ડિવાઇડરમાં ભટકાતાં આ વાહનના ચાલક ખોડા બાબુ ઠાકોરનું મોત થયું હતું. ભુજના ગણેશનગર નજીક ટ્રકે મોપેડને હડફેટમાં લેતાં દીપક ધીરજ મકવાણા (ઉ.વ.21) નામના યુવાને જીવ ગુમાવ્યો હતો.માધાપરના  સોનાપુરી પાછળ રહેતા સંગીતાબેનના 45 દિવસ અગાઉ કિશોર બાબુ કોળી સાથે લગ્ન થયાં હતાં. આ યુવતીએ ગઇકાલે ઢળતી બપોરે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવતી પોતાના ઘરે હતી, ત્યારે આડા પાઇપ ઉપર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. આ યુવાન પરિણીતાએ કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.અપમૃત્યુનો એક બનાવ અંજારમાં ગુલાબ મિલની સામે ઓમનગર મકાન નંબર-43માં બન્યો હતો. અહીં રહેતા લખીબેન ગઢવી નામના મહિલાએ ગઇકાલે પોતાના ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. તેમને સારવાર અર્થે લઇ?જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છેઅંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર ગઇકાલે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ ઉપર ટ્રક ટ્રેઇલર નંબર જી.જે. 12બી.ડબલ્યુ.4485ના ચાલક ખોડાભાઇ આ  વાહન લઇને જઇ?રહ્યા હતા. સિનુગ્રા પુલ ઉપર આ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આ વાહન ડિવાઇડરમાં અથડાયું હતું, જેમાં આ ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેનું મોત થયું હતું. તેના વિરુદ્ધ ભુજના હિતેશ?લાભશંકર જોશીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વધુ એક અકસ્માત ભુજના ગણેશનગર મહાકાળી મંદિર પાસે સર્જાયો હતો. 2ડાર કોલોની કૈલાશનગરમાં રહેનારો દીપક મકવાણા નામનો  યુવાન મોપેડ લઇને ઘરે જઇ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર જી.જે. 12 ઇ.ટી.-6934એ તેના વાહનને ટક્કર મારતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતો હતો, જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer