વધારાનાં પાણી માટે કંપનીનો સર્વે જ બાકી

ભુજ, તા. 21 : કચ્છમાં નર્મદાનાં વધારાનાં એક મિલિયન એકર સિંચાઇનાં પાણી માટે વહીવટી મંજૂરી અપાતાં કચ્છ જલ-પર્યાવરણ વિકાસ સંઘે આવકારતાં પાઇપલાઇનનું કામ શરૂ કરતાં પહેલાં નવેસરથી પમ્પિંગ સ્ટેશનની ડિઝાઇન નક્કી કરવા મુખ્યમંત્રી સમક્ષ માગણી કરવામાં આવી હતી.સંઘના કન્વીનર કેશવ ઠાકરાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 2011ની સાલમાં સરદાર સરોવર નિગમે આ સરહદી કચ્છની 1 મિલિયન એકર ફીટ પાણીનાં વહન માટે મલ્ટિમેન્ટેક ઇન્ટરનેશનલ પ્રા.લિ. કંપનીને આશરે 3.50 કરોડની આસપાસની રકમથી સર્વે માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ દુ:ખ સાથે જણાવવાનું કે સર્વે પછી  ડી-માર્કેશનનું કામ હજુ આજ સુધી થયું નથી. મુખ્યમંત્રી ગુજરાત સરકારને પત્રથી જાણ પણ કરેલી, આમ છતાં હજુ સુધી ડી-માર્કેશનનું કામ જ થયું નથી અને તેમની 50 લાખની ડિપોઝિટ પણ હજુ જપ્ત પડી છે. તો સત્વરે ડી-માર્કેશન થાય તો જ પાઇપલાઇન ક્યાંથી ક્યાં જશે તેની સાચી  વાસ્તવિકતા જાણી શકાય. એજન્સીને તેમનાં અધૂરાં કાર્ય યુદ્ધનાં ધોરણે  પૂરાં કરવા આદેશ કરવામાં આવે અને આવાં અધૂરાં કામો કરવાની માનસિકતા ધરાવતી કંપની 11-11 વર્ષથી પૂરાં કામ કરતી નથી તો આવી કંપનીની કામની ગુણવત્તા ઉપર બાજનજર રાખવા પણ જણાવાયું હતું.2011માં જે મલ્ટિમેન્ટેક ઇન્ટરનેશનલ પ્રા.લિ. કંપનીએ જે પ્રમાણે ડિઝાઇન બનાવી છે, જેમાં પાઇપલાઇન અને ખુલ્લી કેનાલ બંનેની જોગવાઇ હતી, પરંતુ હવે સમગ્ર યાજેનામાં તમામ લિન્ક લાઇનોને પાઇપલાઇનોમાં તબદીલ કરવાનો સરકારે  નિર્ણય લીધો છે. જેથી પમ્પિંગ સ્ટેશન અને પાઇપલાઇનની સંખ્યા તથા તેના વ્યાસમાં ઘણો મોટો તફાવત આવશે. તો 2011માં જે પ્રમાણે સર્વે થયો છે તે મુજબ જ પાણીની વહનક્ષમતા જળવાઇ? રહે તે પ્રમાણે પાઇપલાઇનોના વ્યાસ પાઇપોની સંખ્યાનો સમાવેશ કરવામાં આવે જેથી આટલો મોટો જથ્થો પાણીનો જે-તે સ્થાને યોગ્ય રીતે પહોંચાડી શકાય તેવું સૂચન તેમણે કર્યું હતું.ડી-માર્કેશનનું કામ સત્વરે પૂરું થયા બાદ સૌપ્રથમ પમ્પિંગ સ્ટેશનની ડિઝાઇનો રિવાઇઝ કરીને નવેસરથી ડિઝાઇનો નક્કી કરીને તેની ઊંચાઇ મુજબ પાઇપલાઇનોનું સાથેસાથે કામ શરૂ થાય તે અતિ જરૂરી છે. કારણ કે જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશનો આવે છે તે પમ્પિંગ સ્ટેશનો ઊભા કરવા ખૂબ જ સમય માગી લે છે અને તેમાં 2-3 વર્ષ જેટલો સમય જાય તેમ હોઇ પ્રથમ પમ્પિંગ સ્ટેશનોનાં કામ સત્વરે શરૂ કરવામાં આવે અને યોગ્ય સમયગાળામાં આ કામ પૂર્ણ કરી શકાય અને ફેઝ-2નું કામ પણ આગળ વધી શકે તેવો તેમણે અનુરોધ કર્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer