સમંડા સીમમાં પવનચક્કીવાળા ઝાડનો સોથ વાળી રહ્યા છે

મોટી વમોટી (તા. અબડાસા), તા. 21 : નજીકના સમંડા ગામના સીમાડામાં પવનચક્કીવાળા દેશી ઝાડનો સોથ વાળી રહ્યા હોવાની ફરિયાદ મોટી વમોટી જૂથ?ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.સરપંચ ભરતસિંહ જાડેજાએ અબડાસાના નાયબ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સુઝલોન કંપની તરફથી છેલ્લા ચાર દિવસથી દેશી બાવળ, થુવર, કંઢી, હરળુ, બોરડી, ખેર, ગૂગળ જેવા ઝાડ મૂળિયા સહિત આડેધડ બેફામ કાપવામાં આવી રહ્યા છે, જે કાર્ય હજુ પણ ચાલુમાં છે. કંપનીના અધિકારીઓને આ અંગે જાણ કરતાં ઉડાઉ જવાબો આપવામાં આવે છે.અમારા સમંડા ગામની સીમતળ ઉપર નિર્ભત પશુ-પક્ષીઓ તેમજ સીમતળને નુકસાનીનો સામનો કરવામાં આવી રહ્યો છે. કંપની તરફથી કરવામાં આવતા આવા કૃત્ય બદલ સમંડા ગામના તમામ ગ્રામજનો કંપની તરફે નારાજ છે. ચૂંટાયેલા સરપંચ હોવાને નાતે સમંડા ગામલોકો તરફથી મૌખિક જાણ કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો સમંડા ગામના ગ્રામજનો વતી કંપની વિરુદ્ધ ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઊતરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી. તાત્કાલિક ધોરણે કંપની તરફથી કરવામાં આવતા આવા કૃત્યની ઊંડાણમાં તપાસ કરવા તેમજ યોગ્ય રાહે પગલાં ભરવા પત્રમાં માગણી કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer