ગાંધીધામમાં અરજી ગેરવલ્લે જતાં કેટલાક પોલીસકર્મી સામે શિક્ષાત્મક પગલાં લેવાશે

ગાંધીધામ, તા. 21 : શહેરમાં સપનાનગરમાં રહેતા અને શ્રમિક સહિતના લોકો વિરુદ્ધ કેસ કરાયો હતો. બાદમાં સમાધાન પેટે રૂપિયા લઈ કોર્ટમાં હાજર ન થનારા શખ્સ વિરુદ્ધ પોલીસમાં અરજી કરાઈ હતી, પરંતુ પોલીસે આ અરજી ગેરવલ્લે કરતાં પોલીસવડાને રજૂઆત કરાઈ હતી. નાયબ પોલીસવડાએ 15 દિવસમાં માહિતી આપવા તથા જવાબદાર પી.એસ.ઓ. અને તપાસકર્તા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા આદેશ કર્યો હતો.શહેરના સપનાનગરમાં રહેતા માયા વેલજી મહેશ્વરી તથા કુંવરબેન માયા મહેશ્વરી, મોરિયા જલુબેન સિદિક, હીરા વેલજી પાતારિયા, ગરવા હરશી દેવરાજ વિરુદ્ધ માધાપરના વિમલ મોતીલાલ સોનીએ અહીંના ન્યાયાલયમાં રેગ્યુલર દીવાની દાવાવાળો કેસ કર્યો હતો. બાદમાં માયાભાઈ અને વિમલ સોની વચ્ચે વર્ષ 2019માં સમાધાન થતાં વિમલ સોનીએ રૂપિયા લઈ સમાધાન કરાર મુજબ બાહેંધરીપત્રમાં સહી કરી આપી હોવાનું પોલીસ મથકે કરાયેલી અરજીમાં જણાવાયું હતું. આ બાહેંધરી બાદ ન્યાયાલય સમક્ષ હાજર ન થતાં પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાવીને માયા મહેશ્વરીએ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં  અરજી કરી હતી.આ અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે બીજી અરજી કરી આ અંગે માહિતી અધિકાર હેઠળ માહિતી આપવા માંગ કરી હતી. તેમ છતાં માહિતી અપાઈ નહોતી. જેથી આ અરજદારે નાયબ પોલીસવડા સમક્ષ અરજી કરી હતી. જ્યાં પી.એસ.ઓ.એ તેમની અરજી સ્વીકારી તપાસકર્તાને તપાસ કરવા જણાવી દીધાનું બહાર આવ્યું હતું, પરંતુ આ અરજી અંગે બારનીશી રજિસ્ટરે નોંધ કરાયેલી નથી. પરિણામે આ અરજી ગેરવલ્લે ગયેલી હોવાનું પ્રસ્થાપિત થાય છે જે ખૂબ જ ગંભીર બાબત હોવાનું નાયબ પોલીસવડાએ લેખિતમાં જણાવ્યું હતું અને અરજદારને 15 દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવા તથા પી.એસ.ઓ. અને તપાસકર્તા અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા જરૂરી આધાર-પુરાવા સાથે અહેવાલ મોકલી આપવા જણાવાયું હતું.  તેમજ અરજદારે માગેલી માહિતી શોધખોળ કરવા છતાં ન મળી આવે તો તે મુજબ સોગંદનામું કરી અરજદારને જાણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer