પતંગના દોરાથી ઘાયલ 40 પક્ષીને ભુજનાં સારવાર કેન્દ્રે બચાવ્યાં

પતંગના દોરાથી ઘાયલ 40 પક્ષીને ભુજનાં સારવાર કેન્દ્રે બચાવ્યાં
ભુજ, તા. 15 : અહીંના સુપાર્શ્વ જૈન સેવા મંડળ અને જીવદયાપ્રેમીઓના સહિયારા પ્રયાસોથી જેમાં 40 પક્ષીઓને સારવાર અપાઇ હતી. દર વર્ષની જેમ મકરસંક્રાંતિ પર્વને ધ્યાને લઇ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા આશય સાથે?`ઇમરજન્સી સારવાર કેન્દ્ર' ખોલવામાં આવ્યું હતું. અભય કલરલેબ, ડોસાભાઇ ધર્મશાળા નજીક આયોજિત આ સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા, કચ્છ જિલ્લા ભા.જ.પા. પ્રમુખ કેશુભાઇ પટેલ, ભગવતી ધામનાં અધ્યક્ષ રાજુભાઇ જોશી, કચ્છ જિલ્લા ભાજપા મહામંત્રી શિતલભાઇ શાહ, ભુજ શહેર ભાજપાના પ્રમુખ બાલકૃષ્ણભાઇ મોતા, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, સામાજિક અગ્રણી કમલેશભાઇ સંઘવી, પશુપાલન ખાતાના તબીબ હરીશભાઇ ઠક્કર, નગરસેવક કમલભાઇ ગઢવી અને સંસ્થાના પ્રમુખ કૌશલભાઇ મહેતા તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.જીવદયા પ્રવૃત્તિમાં અગ્રેસર આ સંસ્થા દ્વારા અનેક ઘાયલ મુક પક્ષીઓની સારવાર કરી જીવન રક્ષણ આપવામાં આવ્યું છે. આ વર્ષે 40 જેટલાં પક્ષીઓ આ સારવાર કેન્દ્રમાં સારવાર પામ્યાં હતાં જેમાં એક વા-બગલીનો પણ સમાવેશ થાય છે. લોકો દ્વારા આવેલા ફોન કોલ પરથી 15 પક્ષીઓને સંસ્થાના સભ્યો દ્વારા રેસ્કયુ કરી સારવાર આપવામાં આવી હતી. 24 જેટલાં પક્ષીઓ લોકો દ્વારા સારવાર કેન્દ્ર પર લઇ આવવામાં આવ્યા હતા. છ કબૂતરો મૃત્યુ પામ્યા હતા જેના અંતિમ સંસ્કાર થયા હતા. અન્ય પક્ષીઓને વધુ સારવાર માટે કલાપૂર્ણસૂરિ કરુણાધામ મુકવામાં આવ્યાં છે. મકરસંક્રાંતિ પર્વે દાનનો મહિમા હોતાં સંસ્થા દ્વારા પાંચ હજાર કિલો લીલોચારો એકત્ર કરી વિવિધ પાંજરાપોળોમાં સંસ્થાની ગાડી વડે પશુઓને નિરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં જીવદયાપ્રેમી દાતાઓનો સહયોગ મળી રહ્યો હોવાથી સંસ્થાના પ્રમુખ કૌશલભાઇએ આભાર વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer