ડંખીલા ઠાર સાથે કચ્છમાં ઠંડીના ધામા

ભુજ, તા. 15 : ઉત્તરાયણનું પર્વ સમાપ્ત થયું હોવા છતાં કચ્છમાં ઠંડીનો ડંખ નરમ પડયો નથી. ડંખીલા ઠાર સાથે કચ્છમાં ઠંડીએ ધામા નાખી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. નલિયા 4.2 ડિગ્રીએ રાજ્યમાં સર્વાધિક ઠર્યું હતું. અહીં ઉત્તરાયણના દિવસે પારો ગગડીને 3.6 ડિગ્રીએ પહોંચી જતાં ગાત્રો ગાળતી ઠંડીનો અનુભવ થયો હતો. કંડલા પોર્ટને બાદ કરતાં ભુજ અને કંડલા (એ)માં લઘુતમ પારો અનુક્રમે 9.6 અને 9.7 ડિગ્રીના એકલ આંકમાં અટકેલો રહ્યો હતો. નલિયાના પ્રતિનિધિના અહેવાલ અનુસાર અબડાસામાં દિવસોદિવસ ઠંડીની તીવ્રતામાં વધારો થતાં પારો વધુ ને વધુ નીચે જતો જાય છે. મકરસંક્રાંતિના દિવસે ઠંડી 3.6 નોંધાયા પછી આજે પારો 4.2 ડિગ્રીએ અટકયો હતો. હવામાન વિભાગના હિસાબે પારો ઉપર-નીચે જાય છે, પણ વાસ્તવિકતા તો એ છે કે, ઠંડીમાં કોઇપણ જાતનો ઘટાડો જોવા મળતો નથી. બલ્કે તેની તીવ્રતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.વહેલી સવારે અને મોડી સાંજે જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું લોકો ટાળે છે. સ્વયભૂ કફર્યું જેવી સ્થિતિ પેદા થાય છે. એસ.ટી. બસ કે ખાનગી વાહનોમાં પણ લોકો વહેલી સવારે તેમજ મોડી સાંજે મુસાફરી કરવાનું ટાળે છે. ઠંડીએ આબાલવૃદ્ધ તેમજ પશુઓને બેહાલ કરી દીધા છે. ભુજ અને કંડલા (એ)માં લઘુતમ પારો એકલ આંકમાં નોંધાતાં ભુજ, અંજાર, ગાંધીધામ સહિત સૂરજબારીથી લઇ કોટેશ્વર સુધી ઠંડીની આણ આકરા પ્રમાણમાં વર્તાતાં લોકોને આખો દિવસ ગરમ કપડાંમાં વિંટળાયેલા રહેવું પડયું હતું. મહત્તમ પારો સહેજ ઊંચે ચડી 26 ડિગ્રીએ પહોંચવા સાથે પવનની ઝડપ થોડી ઘટતાં દિવસના ભાગે ઠંડીની અનુભૂતિની રાહત મળી, પણ સાંજ ઢળતાં ઠંડીએ ફરી પોતાનો પગદંડો જમાવવાનું શરૂ કરી દીધું હતું. હવામાન વિભાગે હજી એક દિવસની ચેતવણી જારી કરી તે પછી તબક્કાવાર પારો ત્રણથી ચાર ડિગ્રી ઊંચકાવાની શક્યતા વ્યક્ત કરી છે. પોષ માસમાં સામાન્ય રીતે ઠંડીની વિદાયની ઘડીઓ ગણાતી હોય, પણ છેલ્લા કેટલાક વર્ષોથી પોષ માસમાં જ ઠંડી પોતાના તમામ રેકર્ડ પ્રસ્થાપિત કર્યા છે.