સરહદી ખાવડાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝંખે છે સારવાર

સરહદી ખાવડાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝંખે છે સારવાર
સુમરાપોર (તા. ભુજ), તા. 15 : તાલુકાનો સરહદી પચ્છમ પાશી વિસ્તાર હંમેશાં આરોગ્યની સેવાઓ, સુખાકારીની સુખ-સગવડો વગેરેમાં  બાકાત હતો, પરંતુ જાગૃત યુવાનો, આગેવાનો લોકોની સતત રજૂઆતો અને તંત્રની પછાત વિસ્તારમાં રહેમની નજર હેઠળ આ સમગ્ર દુર્ગમ વિસ્તારમાં ધીરે ધીરે આરોગ્યની સુખાકારીમાં પાંચાડો ડગલેને પગલે આગળ વધી રહ્યો છે. પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વધારો થયો  છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જે માત્ર પચ્છમ જ નહીં, પરંતુ પચ્છમ, પાશી, બન્ની તેમજ સરહદનું રખોપું કરતા જવાનો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ તેમાં આરોગ્ય ક્ષેત્રે ખૂટતી કડીઓ આ વિસ્તારના લોકો માટે માનસિક બીમારીની જેમ સતાવી રહી છે. તાકીદે જેમ લાખો રૂપિયાના ખર્ચ કરી આલિશાન ઇમારતનું નિર્માણ કરી સરહદના લોકો માટે તંત્રનું સરાહનીય પગલું ભર્યું પણ તેમાં પણ જો ખૂટતી કડીઓ બાબતે તંત્ર જાગૃત બને તો રાહત થાય તેમ છે. 45થી 50 વર્ષ પહેલાં અહીંના વિસ્તારમાં કોઇ નાની-મોટી બીમારી હોય તો લોકો માત્ર ને માત્ર દેશી ઘરગથ્થુ ઇલાજ કરીને કોઇપણ નાના-મોટા રોગથી મુક્તિ મેળવી લેતા હતા. ડોક્ટર કે હોસ્પિટલથી લોકો બેખબર હતા પણ આજની ટેકનોલોજીની દૃષ્ટિએ જેમ-જેમ નાની-મોટી અવનવી બીમારીઓની રફતાર વધી રહી છે. રોજેરોજ નવા નામ ધારણ કરતી બીમારીઓ ચારેકોર ફેલાઇ રહી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્ની-પચ્છમના 80થી વધારે નાના-મોટા ગામડાંઓ તેમજ દુર્ગમ વાંઢો માટે આશીર્વાદરૂપ છે. હાલના ડોક્ટરોની સેવાઓ સારી છે. દરરોજ મોટો વિસ્તાર હોવાના કારણે બસ્સોની આસપાસ ઓપીડી નોંધાય છે. પ્રસૂતિની સગવડોથી લોકોને  સંતોષ છે. ખાસ કરીને  ત્રીરોગ નિષ્ણાતની  ખૂબ જ જરૂરત છે. ગાયનેક તબીબ કાયમી ન હોવાના કારણે માતા મરણના કિસ્સા વધુ નોંધાઇ ચૂક્યા છે. બાળકો સારવારના અભાવે ભુજ જતી વખતે રસ્તામાં જ દમ તોડયા હોવાના કિસ્સાઓ મોજૂદ છે. ત્રીરોગ અને બાળકોના સ્પેશિયલ ડોક્ટરની તાકીદે નિમણૂક થાય એવી લોકમાંગ છે. એક્સ-રે મશીન કેન્દ્રને આઠેક વર્ષ અગાઉ ફાળવી દેવાયું છે પણ આઠેક વર્ષથી તે ઉપયોગ વિના પડયું છે. પચાસ કિ.મી.ની ત્રિજ્યામાં લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા ખાલી પડી છે. નાની-મોટી બીમારીઓમાં રક્તના સેમ્પલોની લેબ જ ન હોય તો પૃથકકરણ?જ કેમ થાય ? સમયસર આવું લોહીનું પૃથકકરણ ન થવાના કારણે લોકો  નાની-મોટી અનેક બીમારીઓમાં  સપડાય છે. આ કેન્દ્રમાં ફાર્માસિસ્ટની મહત્ત્વની જગ્યા પણ ખાલી, મેડિકલની, ઓપીડી, દવાની બારીએ ગમે તેને - દર્દીઓને  દવા આપવામાં આવે છે, પણ કાયમી કોઇ ફાર્માસિસ્ટ નથી જે ગંભીર બાબત છે. આ કેન્દ્રમાં તેર સભ્યોની રોગી કલ્યાણ સમિતિ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાવડામાં કાર્યરત છે, પણ છેલ્લા પંદર વર્ષથી આ તેર સભ્યોનું નામાવલિનું બોર્ડ ટીંગાડેલું છે અને પંદર વર્ષમાં નામાવલિના સભ્યો, અધ્યક્ષ, ઉપાધ્યાયથી કરી સભ્યોની આજ દિન સુધી આવા કેન્દ્રની ખૂટતી કડીઓ કે સમસ્યાઓ બાબતે ક્યાંય પણ મિટિંગ મળી હોય તેવું જણાયું નથી. હકીકતમાં આરોગ્ય તંત્ર સાથે મળીને  જો આ નામાવલિ સમિતિ ખરેખર કાર્યરત હોય તો મિટિંગ કરી લોકોના સુખ અને  સગવડમાં વધારો?થાય એની પહેલ કરાય એવો મત પ્રવર્તે છે.અન્ય નાની-મોટી બીમારીઓની સાથે જ્યારે કોરોનાની ત્રીજી લહેર ફૂંફાડા મારી રહી છે ત્યારે આ કેન્દ્રને તમામ ખૂટતી કડીઓ પૂર્ણ કરાય એવી આ પાંચાડાના લોકોની ઉગ્ર માંગ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer