કચ્છમાં કોરોનાના કેસમાં સતત બે દિવસ ઘટાડાના દોરથી રાહત

કચ્છમાં કોરોનાના કેસમાં સતત બે દિવસ ઘટાડાના દોરથી રાહત
ભુજ, તા. 15 : ઉત્તરાયણના દિવસથી સતત બે દિવસ કચ્છમાં કોરોનાના કેસમાં ઘટાડાનો દોર જોવા મળતાં રાહત થઈ છે. સંક્રમણમાં ઘટાડાનો આ પ્રવાહ જારી રહે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક રજાના માહોલમાં ટેસ્ટિંગ ઘટતાં કેસો ઘટયાનો તર્ક પણ નિષ્ણાતો દ્વારા લગાવાઈ રહ્યો છે. ઉત્તરાયણના દિવસે 101 તો શનિવારે 87 મળી બે દિવસમાં નવા 188 કેસ નોંધાયા, તેની સામે 26 દર્દીએઁ સાજા થઈ આ રોગને મ્હાત પણ આપી હતી. પાંચ દિવસ બાદ એવું બન્યું છે કે જ્યારે જિલ્લામાં કોરોના કેસનો આંકડો 100ના આંકથી નીચે ઊતર્યો છે.  ગુરુવારે અધધધ 129 કેસ નોંધાયા બાદ બે દિવસમાં 42 કેસનો તબક્કાવાર ઘટાડો થયો છે. સક્રિય કેસ વધીને 627 થવા સાથે જાન્યુઆરીમાં નોંધાયેલા કેસનો આંકડો પખવાડિયામાં જ એક હજારને પાર થઈ ગયો છે. કોરોનાની વર્તમાન લહેરમાં હોટ સ્પોટમાં ફેરવાઈ ચૂકેલા ગાંધીધામમાં શુક્રવારે પ3 અને શનિવારે 36 સાથે 2 દિવસમાં 89 સંક્રમિતો વધ્યા છે. એ જ રીતે ભુજમાં ઉત્તરાયણના 26 તો વાસી ઉત્તરાયણના 21 મળી 2 દિવસમાં 47 કેસ નોંધાયા છે. બે દિવસમાં નોંધાયેલા 188માંથી 1પ0 કેસ શહેરો તો 38 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. અંજારમાં 14, અબડાસામાં 1, ભચાઉમાં 14, લખપતમાં 3, માંડવીમાં 3, મુંદરામાં 14, રાપરમાં 3 કેસ નોંધાયા છે.નખત્રાણા તાલુકો એવો છે કે જેમાં બે દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી.  ઓમિક્રોનના કેસનો આંકડો તો છેલ્લા ત્રણેક દિવસથી સાત પર અટકેલો રહ્યો છે. આરોગ્ય તંત્રની યાદી અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં કંડલામાં સૌથી વધુ 11, વરસામેડીમાં 3, મેઘપર બોરીચી  અને ધોરડોમાં 2, સામખિયાળી, માધાપર, મિરજાપર, નારાયણસરોવર, નાગલપરમાં સંક્રમિતમાં એકનો વધારો થયો છે. રસીકરણની વાત કરીએ તો બૂસ્ટર ડોઝ લેનારા લોકોનો આંક હવે 17,222 થયો છે, જે કુલ લક્ષ્યાંકના 30 ટકા થવા જાય છે. અબડાસામાં 482, અંજારમાં 1474, ભચાઉમાં 648, ભુજમાં 6822, ગાંધીધામમાં 2પ00, લખપતમાં પપ9, માંડવીમાં 2077, મુંદરામાં 364, નખત્રાણામાં 1691 અને રાપરમાં 60પને બૂસ્ટર ડોઝ અપાયો હતો. તો આ બે દિવસના ગાળામાં 8982 લોકોનું રસીકરણ કરાતાં કુલ રસી લેનારા લોકોની સંખ્યા પહેલો ડોઝ લેનારાની 16.10 લાખ તો બન્ને ડોઝ લેનારાની સંખ્યા 14.44 લાખ થઈ છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer