કોટડા ચકાર પંથકમાં રીંગણની ખેતીમાં અઢળક કમાણી

કોટડા ચકાર પંથકમાં રીંગણની ખેતીમાં અઢળક કમાણી
કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 15 : ઉતરતી કક્ષાની શાકભાજી ગણાતા રીંગણાએ ખેડૂતોને અઢળક આવક રળી આપી છે.શ્રાવણ ભાદરવામાં ખેડૂતો રીંગણાના કિલો દીઠ અધધધ એવા 70થી 80 રૂપિયા ભાવે વેચાણ કરતા, તો છૂટક વેપારીઓ તેના કિલો દીઠ 120થી 150 રૂપિયા ગ્રાહકોને વેચતા હજી પણ રીંગણા હજીયે છૂટક રૂા. 40થી વધુ ભાવ રહે છે.  દલા તરવાડી વાડી રે વાડી, બોલો દલા તરવાડી. રીંગણા લઉં બેચાર કહેવત જાણીતી છે.બંદરા નાના, ભલોટ, જાંબુડી, કોટડા ઉગમણા અને આથમણા, વરલીના ખેડૂતોએ આ વર્ષે શાકભાજીમાં સાવ મફતિયા ગણાતા કચ્છી બાજરિયા રીંગણાની ખેતી એકથી ત્રણ-ચાર એકરમાં કરી તેમને આ રીંગણાના પાકે અઢળક આવક આપી છે.બારે માસ ખેતી અને પેદાશ થાય તેવા વિવિધ પ્રકાર અને કદ તેમજ આકારના રીંગણાના વાવેતર બાદ બે મહિને તેની આવક ચાલુ થઈ જાય, રીંગણાનો પાક ઉતરે.વરલીના ખેડુ નારાણ બરારિયા અને રાજુભા જાડેજા-નાના બંદરા કહે છે કે, આ શાકભાજીને અન્ય પાકોથી ડબલ છાણિયું (દેશી ખાતર), રાસાયણિક ખાતરમાં ડી.એ.પી. જોઈએ. આ પાકમાં આવતી ઈયળની દવા અવારનવાર છાંટવી પડે છે. શાકભાજીની દુકાન ચલાવતા અનીશ ચાકી તેમજ જીતુભાઈ ગુંસાઈ જણાવે છે કે, રીંગણાના શ્રાવણ-ભાદરવામાં છૂટક ભાવ 120થી 150 કિલોના ક્યારે સાંભળ્યા જ નથી.કચ્છી બાજરિયા રીંગણા ઉપરાંત કાલા ગોટા, સંભારિયાંના નાનાં રીંગણા, સોરઠમાંથી આવતા ભરથારા કાઠિયાવાડી રીંગણાની આ વર્ષે ભારે બજાર હતી અને છે. એકાંતરે ઉતરતા આ શાકનું બિયારણ હાઈબ્રિડ તેમજ દેશી મળે છે. ચકારના ધર્મદાન ગઢવી, સણોસરાના યોગેશ માકાણી, જાંબુડીના જિજ્ઞેશ ધોળુ, કોટડાના વિશાલ ધોળુ કહે છે કે આ વર્ષે માનો ન માનોની જેમ રીંગણાની ખેતીએ ખેડૂતોને કમાણી કરાવી દીધી છે. હાલે પણ રીંગણાની બજાર ખેડૂતોને કિલો દીઠ રોકડા 20થી 25 આપે છે. તો ખરીદનાર 40થી વધુ કિંમતે ખરીદે છે. સંભારિયા બનાવવા નાનકડા રીંગણાની ખાસ વર્ગમાં ભારે માંગ હોવાનું હાજી લતીફભાઈ બકાલાવાળા જણાવે છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer