ચાહકોને વિરાટ આંચકો

નવી દિલ્હી, તા. 15 : સાત વરસના સુવર્ણ કાર્યકાળ પર પૂર્ણવિરામ મૂકી દેતાં ભારતને 68માંથી 40 ટેસ્ટમાં જીત અપાવનાર ટેસ્ટ ટીમના સૌથી સફળ સુકાની વિરાટ કોહલીએ શનિવારે સોશિયલ મીડિયા પરથી ટેસ્ટ ટીમના સુકાની પદેથી રાજીનામાંની ઘેષણા કરી હતી. આ અણધાર્યા અને અચાનક એલાને કોહલીના ચાહક ક્રિકેટ રસિક સમુદાયને આંચકો આપ્યો છે. દરેક સફરનો અંત હોય છે. મારા માટે આ પદ છોડવાનો  આ યોગ્ય સમય છે. પ્રયાસોમાં કોઇ કચાશ નથી રાખી. હું 120 ટકા યોગદાન આપવા માગું છું, પરંતુ જો તેમ ન કરી શકું તો તે ખોટું ગણાશે. હું મારી ટીમનું ખરાબ તો નથી જ કરી શકવાનો. આવા ભાવુક સંદેશ સાથે  વિરાટે ટેસ્ટનું સુકાન છોડયું હતું.દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય સુકાની બનેલા 33 વર્ષીય કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે જ ટેસ્ટ શ્રેણીમાં ભારતની હારથી હતાશ ક્રિકેટ પ્રેમીઓની હતાશા આજનું એલાન કરીને વધારી હતી.છેલ્લા માત્ર ત્રણ મહિનામાં  ત્રણેય ફોર્મેટનું સુકાન?છોડી દેનાર વિરાટે 23 લીટીના સંદેશમાં રાજીનામાની ઘોષણા સાથે છેલ્લી ચાર લીટીમાં માત્ર મહેન્દ્રસિંહ ધોની અને કોચ રવિશાત્રીનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં પરાજયથી ટીમ ઈન્ડિયા હજુ ઉભરી નથી ત્યાં શનિવારે ભારતીય ક્રિકેટને હચમચાવતાં નિર્ણયમાં કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. શનિવારે સાંજે કોહલીના એક ટ્વિટે તેના પ્રશંસકોને ઝટકો આપતાં લખ્યું કે છેલ્લા 7 વર્ષથી સતત આકરી મહેનત અને દરરોજ ટીમને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ રહ્યો. મેં મારું કામ પૂરી ઈમાનદારીથી કર્યું છે અને કોઈ કસર બાકી રાખી નથી. પરંતુ દરેક સફરનો એક અંત હોય છે, મારા માટે ટેસ્ટની કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. આ સફર દરમિયાન આવેલા ચઢાવ-ઉતારને ટાંકી તેણે કહ્યું કે પ્રયાસ કરવામાં કોઈએ કોઈ કસર છોડી નથી. તેણે હંમેશા 1ર0 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે. જો તે કંઈ કરી શકે તેમ ન હોય તો તે માને છે કે તેના માટે આ ચીજ યોગ્ય નથી.વધુમાં બીસીસીઆઈ, રવિ શાત્રી અને સપોર્ટ સ્ટાફનો આભાર માની કોહલીએ લખ્યું કે હું મારા નિર્ણયમાં પાક્કો છું. તે પોતાની ટીમ સાથે કોઈ દગો કરી શકે નહીં. સાથી ખેલાડીઓનો આભાર માનતા તેણે લખ્યું કે, તમે મારા સફરને ખૂબ જ યાદગાર અને ખુબસુરત બનાવ્યો છે. સાથે કેપ્ટન પદે ભરોસો મૂકવા બદલ ધોનીનો પણ આભાર માન્યો હતો.બીસીસીઆઇએ ત્વરીત પ્રતિક્રિયામાં કોહલીના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે, ઉત્કૃષ્ટ દોરવણી આપીને  વિરાટે ભારતની ટીમને સર્વોચ્ચ સ્થાને પહોંચાડી છે.વિરાટનો નિર્ણય તાજેતરના કેટલાક વિવાદોને પગલે આવ્યો છે. તેણે ટી-ટ્વેન્ટી અને આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી હતી. એ પછી વન-ડે ટીમનું નેતૃત્વ આંચકી લેવામાં આવ્યું હતું.વિરાટના આ નિર્ણય પર પૂર્વ કોચ રવિ શાત્રી સહિત અને ક્રિકેટરોએ આશ્ચર્ય વ્યકત કરીને તેને મહાન સુકાની લેખાવ્યો છે. 19મી જાન્યુઆરીથી ભારત-દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં ઉતરશે એ પૂર્વે વિરાટનો નિર્ણય આવી પડયો છે.2015માં મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ટીમનું સુકાન છોડવાની જાહેરાત કરી એ પછી વિરાટ કેપ્ટન નિયુકત થયો હતો. 68 ટેસ્ટમાં તેણે ટીમને 40માં જીત અપાવી છે. 17 હાર અને 11 ડ્રો થઇ છે. - કેપટાઉન કનેકશન ? : ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન અને જુસ્સાદાર ખેલાડી વિરાટ કોહલીના નેતૃત્વ છોડવાના અણધાર્યા નિર્ણય પાછળ કેપટાઉન ટેસ્ટની નિષ્ફળતા જવાબદાર છે ? આ સવાલ ઘૂમરાઇ રહ્યો છે. દ. આફ્રિકામાં શ્રેણી જીતવી કોઇપણ  પ્રવાસી ટીમ માટે પડકારદાયક હોય છે. વિરાટ આમ ન કરી શક્યો એનું આશ્ચર્ય કે આઘાત ન જ થાય, પરંતુ તેની હતાશા કદાચ સાથી ખેલાડીઓના નિ:સ્પૃહ વલણ અને જીતના ઝનૂનના અભાવમાંથી નીપજી હોઇ શકે. ભારતે ત્રીજી-આખરી ટેસ્ટમાં દ.આફ્રિકાને  210 રનમ ઓલઆઉટ કરીને 13 રનની મનોવૈજ્ઞાનિક સરસાઇ મેળવ્યા પછી આ ટેસ્ટ અને શ્રેણી જીતનું હક્કદાર ભારત હતું. ગોલંદાજોએ  સર્જેલી સ્થિતિ બેટધરોએ ઝડપી લેવી જોઇએ, પરંતુ કમનસીબે એવું બન્યું નહીં અને બંને ઓપનર સહિત મોટાભાગના ખેલાડીઓએ  બેપરવાહીથી ફટકાબાજી કરીને વિકેટ?ફેંકી દીધી હતી. આઘાતજનક વાત એ હતી કે, રિષભ પંત જામી ગયો હતો. બેટ ઊંચકીને ફટકા મારતો હતો, ત્યારે અશ્વિન સહિતના પૂંછડિયા બેટધરોએ અવિચારીપણે સાહસિક ફટકા મારવાને બદલે તેને સ્ટેન્ડ આપવાની જરૂર હતી. પંતને થોડો સાથ મળ્યો હોત તો ભારતના કમ સે કમ 50 રન વધુ બન્યા હોત ને સંભવ છે કે, શ્રેણીનું પરિણામ જુદું હોત. અનુમાન એવું છે કે, ટીમનો સાથ ન મળવાને કારણે વિરાટ વ્યથિત થયો છે.

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer