16 જાન્યુઆરી `રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિન''
નવી દિલ્હી, તા. 15 :દેશભરના સ્ટાર્ટઅપ્સ સાથે શનિવારે વીડિયો કોન્ફરન્સીંગથી સંવાદ સાધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી ઘોષણામાં જણાવ્યું હતું કે, હવેથી દર વરસે 16મી જાન્યુઆરીના રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ દિવસ ઉજવાશે. હું દેશના તમામ યુવાનોને અભિનંદન આપું છું, જે સ્ટાર્ટઅપની દુનિયામાં ભારતનો ડંકો વગાડી રહ્યો છે,તેવું વડાપ્રધાને કહ્યું હતું.યુવાનો પોતાના સ્વપ્નોને `લોકલ' નહીં, પરંતુ `ગ્લોબલ' એટલે કે, સ્થાનિક નહીં પરંતુ `વૈશ્વિક' બનાવે તેવી હાકલ મોદીએ કરી હતી.તેમણે કહ્યું હતું કે, વિતેલાં વર્ષે 42 યુનિકોર્ન દેશમાં બન્યાં છે. હજારો કરોડ રૂપિયાની આ કંપનીઓ આત્મનિર્ભર બનતા આત્મવિશ્વાસથી સભર ભારતની ઓળખ છે. ભારતના સ્ટાર્ટઅપ્સનો સુવર્ણકાળ તો હવે શરૂ થઇ રહ્યો છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 2015માં 81માં સ્થાન પરથી ભારત આજે પ્રગતિ કરીને 46મા સ્થાને પહોંચી ગયું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, બાળપણથી જ દેશના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન એટલે કે, કંઇક નવતર, સંશોધનાત્મકરણ પ્રત્યે આકર્ષણ વધારવાનો આપણો પ્રયાસ છે.નવ હજારથી વધુ અટલ રિકરીંગ લેબ્સ આજે બાળકોનેશાળાઓમાં સંશોધનાત્મક પ્રવૃત્તિ કરી નવા વિચારો પર કામની તક કરી આપે છે તેવું મોદીએ કહ્યું હતું.